


રાજય સરકાર દવારા સુઝલામ સુફલામ યોજના હેઠળ ગત તા.૧લી મે ગુજરાત ગૌરવદિન થી રાજયવ્યાપી પ્રારંભ કરેલ આ જળસંચય અભિયાનનો મોરબી જિલ્લાનો સમાપન કાર્યક્રમ સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૩૧ મી મે ૨૦૧૮ ના સવારના ૯-૦૦ કલાકે હળવદના સામતસર તળાવ ખાતે યોજાશે. જેમાં નર્મદા જળથી ભરેલ ૧૧ કળશનું પૂજન કરાશે. અને સારા વરસાદ તેમજ જળથી તળાવ કુવાઓ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાશે.
મોરબી જિલ્લામાં આ એક માસ સુધી યોજાયેલ જળસંચય કાર્યક્રમને વહિવટીતંત્ર સાથે લોકો,સ્વૈચ્છીક, સામાજિક સંસ્થાઓ, ઉધોગકારોએ મોટા પ્રમાણમાં જોડાઇ આ અભિયાનને ઉપાડી લીધુ હતું જેના પરિણામે ૨૨૦ જળસંચય કામો હાથ ધરાયા હતા જેમાં મોટાભાગના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમ સતત એક માસ સુધી હાથ ધરાયેલ આ જળસંચય અભિયાનનો તા. ૩૧ મેના શાસ્ત્રોકત વિધિપૂર્વક કાર્યક્રમ યોજાશે. સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી દવારા પ્રદર્શન યોજાશે.
આ સમાપન કાર્યક્રમમાં બ્રાહ્મણો દવારા થનાર પૂજનમાં આઇ.કે.જાડેજા, જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ સહિત જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

