


વાંકાનેરના દલડીથી કેરાળા થઈને વાંકાનેર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા અનેક ગામના લોકોમાં નારાજગી ફેલાઈ છે અને આ રસ્તો બંધ થતા ૨૦ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે જે અંગે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ કરમશીભાઈ રંગપરાએ વાંકાનેરના ડેપ્યુટી કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દલડીથી વાયા કેરાળાથી વાંકાનેર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે રસ્તો થાન તાલુકાના ૨૦ ગામોનો આવવા જવાનો રસ્તો છે ૨૦ ગામના લોકો દાણાપીઠ જવા આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે જે રસ્તો બંધ થવાથી અમારો દાણાપીઠ વહેવાર બંધ થઇ ગયો છે અમારી ખેતીની ચીજવસ્તુ આ રસ્તા પરથી લઈને ખેડૂતો ચાલે છે
આ રસ્તો વર્ષો થયા ચાલુ છે જે રોડ પર રાણીમાં રૂડીમાંનું ધાર્મિક સ્થળ આવેલ છે અને અમારા તાલુકાની પ્રજા દર બીજે દર્શન કરવા જતા હોય છે અને આ રસ્તો બંધ થતા લોકોને ૧૨ કિમી ફરવા જવું પડે છે. જેથી થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખે આ પ્રશ્નનું નિરાકરણ કરીને પ્રજાને ન્યાય આપવાની માંગ કરી છે તેમજ જરૂર પડે તો પ્રજાનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડવાનું જણાવીને વહેલી તકે નિવારણ લાવવા જણાવ્યું છે.

