

ગ્રામ્ય ભાગીદારી અને લોકતંત્રના સહયોગથી રૂ. ૯૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ પુલનું આજ રોજ લોકાર્પણ કરતાં મોરબી જીલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય લોકોના
સહકારથી વાંકાનેર તાલુકાના પાજ ગામે મચ્છુ નદી ઉપર નિર્માણ પામેલ પાજ લોક બ્રીજનું કામ બેનમુન અને પ્રેરણાદાયક છે. અંદાજે ૧૯૦ દિવસમાં રૂ. ૯૦ લાખના ખર્ચે પૂર્ણ થયેલ છે જેમાં ઘરદીઠ રૂ. ૧૫ હજાર અને ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ રૂ. ૧૦ લાખની સહાય તથા દાતાઓના સહકારથી આ કામ પૂર્ણ થયેલ છે તે બદલ તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે આ કામ પૂર્ણ થતાં ગ્રામ્ય સુખ સુવિધામાં વધારો થાય તેવા કામના નિર્માણ બદલ પાજ ગ્રામ લોક સમિતિને અભિનંદન આપ્યાં હતાં. તેમજ બાળકોમાથી વ્યસનો છોડાવવા બહેનોને આગેવાની લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ ગ્રામ્ય લોકોની ભાગીદારીથી થયેલા આ કામને લોકશકિતનું પ્રેરક ઉદાહરણ ગણાવી લોક સમિતિને ધન્યવાદ પાઠવ્યા હતા. વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારી જીજ્ઞાસાબેન ગઢવીએ પુલના કાર્યમાં સહકાર આપનાર ગ્રામ્યજનોના કામને સરાહનીય ગણાવી ગ્રામ્ય લોકોનો આભાર માન્યો હતો. તેમજ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી જ્યારે નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર એ.એ. બાદી વગેરેએ પ્રાસંગીક પ્રવચનો કર્યાં હતાં.
આ પ્રસંગે પાજ ગામના મહિલા સરપંચ કુલસુમબેન માથકીયા, ગ્લોસી કોટેક્ષ-લાલપરના દાતા વિપુલભાઇ ઘોડાસરા, મામલતદાર વી. સી.ચાવડા, તાલુકા વિકાસ અધિકારી રાઠવા, સમાજસેવક બાદી અબ્દુલ સતારભાઇ, નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર શેરસીયા, ગુલાબભાઇ સીપાઈ, ડૉ.હાજીભાઈ બાદી, અમીયલભાઈ બાદી તથા પાજ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.