વાંકાનેર: રાતીદેવળી રોડ પર ઝાડ માથે પડતા પ્રૌઢ ઘવાયા, સારવારમાં દમ તોડ્યો

છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘકહેરના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં તાજેતરમાં  વાંકાનેરના રાતીદેવળી રોડ પર ઝાડ માથે પડતા પ્રૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ અંગે વાંકાનેર સીટી પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના શનાળા રોડ પાસે આવેલ સરદારબાગમાં શીવાપેલેસ ફ્લેટ નં.૧માં રહેતા  ૬૫ વર્ષીય જગદીશભાઈ ડાયાલાલ કોટક રાતીદેવળી રોડ  મામાપીરના મંદીર પાસે તા.૨૬/૦૬/૨૦૨૨ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા પગપાળા ચાલીને જતા હતા ત્યારે ભારે પવન ફુંકાતા અચાનક ઝાડ તેમના માથા પર પડ્યું હતું. જેથી જગદીશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ વાંકાનેરની સરકારી હોપિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ મુદ્દે વાંકાનેર સીટી પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat