


મોરબી શહેરમાં તંત્રના પાપે સ્ટ્રીટ લાઈટો ચાલુ બંધ જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે મોરબીના વાવડી રોડ પરની સોસાયટીના રહીશોએ બંધ સ્ટ્રીટલાઈટો અંગે તંત્ર સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે અને નોટીસ બોર્ડમાં લાઈટ બંધ છે તેવી સુચના લખવામાં આવી હતી ત્યારબાદ આખરે તંત્રને શરમ આવતા હવે લાઈટોનું કામ શરુ કરવામાં આવ્યું છે.
મોરબીના વાવડી રોડ પરની ગાયત્રીનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ તેમજ કચરા સહિતની સમસ્યાઓ હોય જેથી લત્તાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ લત્તાવાસીઓએ અનોખી રીતે વ્યક્ત કર્યો છે સોસાયટીના નોટીસ બોર્ડ પર સુચના લખી દેવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ગાયત્રીનગરમાં આશરે એક માસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે અને કચરાની ગાડીઓ પણ કચરો લેવા આવતી નથી.
ગાયત્રીનગર તમામ કરવેરા ભરે છે છતાં પણ આવો રાજકીય રાગ દ્વેષ શ માટે ? તેવો સવાલ પણ અંતમાં કરવામાં આવ્યો છે. તો સોસાયટીના નોટીસ બોર્ડમાં સમસ્યા લખીને વાચા આપ્યા બાદ તંત્રને શરમ આવી હતી અને લાઈટો ફીટ કરવાનું કામ શરુ કરવામાં આવ્યું હોવાનું લત્તાવાસીઓ પાસેથી જાણવા મળ્યું છે ત્યારે ફરીથી એક વખત સાબિત થયું છે કે નાગરિકોએ પોતાનું કામ કરાવવા માટે આંદોલન કરવું પડે છે તો જ પાલિકા તંત્ર જાગે છે.

