



રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિકાસ ગૌરવ યાત્રા રાજ્યભરમાં યોજવામાં આવી રહી છે જે યાત્રા આજે મોરબી આવી પહોંચી હતી. વાંકાનેરથી મોરબી વચ્ચેના અનેક ગામોમાં વિકાસ ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા.
ભાજપ દ્વારા આયોજિત વિકાસ ગૌરવ યાત્રા અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાઈ રહ્યા છે. હજારો લોકો વિકાસયાત્રાને નિહાળવા માટે આવી રહ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત છે કે ૨૦ વર્ષ બાદ ભાજપે કરેલા વિકાસકાર્યોને જનતા ના દરબારમાં લઇ જવામાં આવ્યા છે. જે વિપક્ષી પાર્ટીઓ માટે બોધપાઠ સમાન છે. કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી જીતી સકે તેવા ઉમેદવારોને ટીકીટ આપવાની વાત કરે છે. અગાઉ સીએમ જાહેર ના કરવાની કોંગ્રેસની પોલીસીની વાત કરતી કોંગ્રેસના નેતા દહેગામમાં સીએમની જાહેરાત કરે છે આમ કોંગ્રેસની ડબલ નીતિ અને અસલી ચહેરો જનતા સામે આવી ગયો છે. ભાજપ તેને કરેલા વિકાસના કામો લઈને જનતા વચ્ચે જાય છે અને કોંગ્રેસને પણ [પડકાર ફેંકતા જણાવ્યું છે કે તેને કરેલા કામો લઈને જનતા વચ્ચે આવે એટલે જનતા ફેસલો કરશે. ૪૩ ધારાસભ્યો પુર જેવી સ્થિતિમાં રિસોર્ટમાં જલસો કરવા જતા હોવાના પ્રહારો કરીને આ ધારાસભ્યોને ટીકીટ મળશે કે નહિ તે પણ નક્કી નથી જેથી કોંગ્રેસ ૧૫૦ પ્લસનો ભાજપ માટે જે માહોલ બની રહ્યો છે તેથી હતાશામાં ગરકાવ થઈ છે અને જનતા ભાજપની સાથે છે અને ભાજપને ૧૫૦ થી વધારે બેઠકો પર જીત અપાવશે તેમ પણ જણાવ્યું હતું.
વિકાસ ગૌરવયાત્રાના બેનરો ફાડ્યા
આજે મોરબીમાં વિકાસ ગૌરવયાત્રા પહોંચે તે પૂર્વે જ કેટલાક તત્વોએ કાર્યક્રમના બેનરો ફાડી નાખ્યા હતા. શહેરના હાઉસિંગ બોર્ડ નજીકના પેટ્રોલ પંપ તેમજ ઉમિયા સર્કલ નજીક વિકાસ ગૌરવ યાત્રાના બેનરો ફાડી નાખી નુકશાની કરવામાં આવી હતી જોકે આ કૃત્ય કોને કર્યું તે તપાસનો વિષય છે.
જીએસટી મામલે સિરામિક ઉદ્યોગે રજૂઆત કરી
જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિરામિક ઉદ્યોગ માટે કોઈ રાહત નહિ મળતા મોરબી સિરામિક એશો.ના પ્રમુખની આગેવાનીમાં ઉદ્યોગપતિઓએ જીએસટીમાં સિરામિક ઉદ્યોગને રાહત આપવા રજૂઆત કરી હતી તો પ્રદેશ પ્રમુખ જીતુભાઈએ હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી.

