

મોરબીના ખાટકી વાસ ચોક વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા કાકા બાપાના પરિવારો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા જેવી સામાન્ય બાબતે મારામારી થઈ હતી. લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે થયેલા આ હુમલામાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.


ઘટનાની વિગત અનુસાર, ખાટકી વાસમાં રહેતા નવાઝ ઇકબાલભાઇ ચૌહાણે દાઉદ કાસમભાઇ ચૌહાણ, શાહરુખ દાઉદાભાઇ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઇ ચૌહાણ, ઇરમ દાઉદભાઇ ચૌહાણ અને શબીર અબ્બાસ તરકબાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પરિવારને તેમના જ ફળિયામાં રહેતા આરોપીઓ સાથે ડેલી બંધ કરવા બાબતે અવારનવાર ઝઘડો થતો હતો. આ જ વાતનો ખાર રાખીને આરોપી દાઉદ અને શાહરુખએ ફરિયાદીના ઘરે જઈ તેની માતાને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી અને તેના પિતા ઇકબાલભાઇ વચ્ચે પડતા આરોપીઓએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ ફાતીમાબેન, ઇરમ અને શબીર અબ્બાસ તરકબાણે પણ આવીને ફરિયાદીની માતા ઝરીનાબેનને વાળ પકડી શેરીમાં ઢસડીને માર માર્યો હતો. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા શાહરુખે ફરિયાદીના પપ્પાને જાનથી મારી નાખવાની ધમકી આપી માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.