

ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૭ માં કુલ ૬૬ વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર ૨ જ શિક્ષકો હોવાથી નવા શિક્ષકની ભરતી માટે ગ્રામજનો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે હાલ બે શિક્ષકથી જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે જેથી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બને તેવી ભીતિ સેવાઈ રહી છે. તેમજ આ મામલે શાળામાં યોજાનાર શાળા પ્રવેશોત્સવના બહિષ્કારની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જોકે આજે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવે તે પૂર્વે જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા સ્થળ પર પહોંચ્યા હતા જેને વાલીઓને સાંભળીને તેના પ્રશ્નના યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. સરકારના નિયમ મુજબ ધોરણ ૧ થી ૫ માં ૬૦ સુધીની સંખ્યા માટે બે શિક્ષકની જોગવાઈ કરવામાં આવી છે જે મુજબ આ શાળામાં ધોરણ ૧ થી ૫ માં ૬૦ વિદ્યાર્થીઓની સંખ્યા છે જયારે ધોરણ ૬ અને ૭ માં મળીને માત્ર છ વિદ્યાર્થીઓ જ છે છતાં વાલીઓના રોષને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા એક શિક્ષકની ભરતી કરવાની ખાતરી આપવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો આ મામલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવેએ જણાવ્યું હતું કે ઉમિયાનગર પ્રાથમિક શાળામાં કુલ ૬૬ વિદ્યાર્થીઓની સંખ્યા છે જેમાં ૧ થી ૫ માં ૬૦ વિદ્યાર્થીઓ છે અને નિયમ મુજબ બે શિક્ષકો આપવામાં આવ્યા છે જોકે વાલીઓની માંગને પગલે એક શિક્ષક આપવામાં આવશે. વાલીઓએ શિક્ષકની ભરતી કરાય તો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનું પણ જણાવ્યું છે જેથી શિક્ષક ભરતીના પ્રશ્નનો ઉકેલ કરી નાખ્યો છે.