


પંચાસર ગામે ગત સોમવારે થયેલા ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં તમામ છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાતા આરોપીને સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે. જે રિમાન્ડ દરમિયાન આજે તાલુકા પોલીસે એક નાની અને એક મોટી બંદુક રીકવર કરવામાં સફળતા મળી છે.
પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓને એલસીબી અને તાલુકા પોલીસની ટીમે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ઝડપી લીધા હતા.
જે તમામ આરોપીને આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે. જેમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી એક નાની અને એક મોટી બંદુક એમ બે હથિયારો રીકવર કર્યા છે જોકે ફરિયાદીએ તમામ આરોપી પાસે હથિયાર હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બે હથિયારો ઉપરાંત અન્ય કોઈ હથિયાર આ ગુન્હામાં વપરાયું હતું કે કેમ તે તપાસ ચલાવી છે તેમજ અન્ય પૂછપરછ પણ ચલાવી છે.

