


મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ ચોરીની એક બાદ એક ઘટનાઓ બની રહી છે હજુ ગઈકાલે નવલખી રોડ પર ૫.૩૯ લાખના સમાચારોની શાહી સુકાઈ નથી ત્યારે ગત રાત્રીના શનાળા ગામે એકીસાથે ત્રણ મકાનના તાળા તોડી તસ્કરો ૧.૭૭ લાખની મત્તા ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા ગામના રહેવાસી યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના બે વાગ્યાથી છ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરો તેના મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ ૧૦,૦૦૦ તેમજ સાહેદ કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલાના મકાનમાંથી સોનાનું મંગલસૂત્ર અને રોકડ ૨૭,૦૦૦ તથા અન્ય એક મકાન કશ્યપભાઈ શાહના મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૧,૭૭,૦૦૦ ની મત્તા ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.

