પાલિકા કર્મચારીઓની ત્રણ દિવસીય હડતાલ

અખિલ ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ રાજ્યભરના પાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચ સહિતના પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે જેમાં અગાઉથી કરેલી જાહેરાત મુજબ આજથી ત્રણ દિવસની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે મોરબી પાલિકાના કર્મચારીઓએ ત્રણ દિવસની હડતાલનો પ્રારંભ કર્યો હતો. સાતમાં પગારપંચનો લાભ, રોજમદારોને કાયમી કરવા, મહેકમ ખર્ચની મર્યાદા નાબુદ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારને અનેક રજુઆતો કરી હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી તેમજ છેલ્લે તા. ૦૪ ના રોજ રેલી ધરણાના કાર્યક્રમમાં પણ કર્મચારીઓ જોડાયા હતા ત્યારે હવે પોતાની માંગણીઓ અંગે સરકારની આંખ ખોલવા કર્મચારી હડતાલનો માર્ગ અપનાવશે. આજે તા. ૧૧ થી તા. ૧૩ સુધી ત્રણ દિવસ કર્મચારીઓ હડતાલમાં ઉતરી ગયા છે તેમજ ત્યારબાદ બીજો શનિવાર અને રવિવારની રજા આવતી હોવાથી પાંચ દિવસ કચેરીના કામકાજો ઠપ્પ બની જશે જેથી અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્રણ દિવસ અને બાદમાં બે દિવસની રજાને પગલે આવશ્યક સેવાઓ પ્રભાવિત થશે કે કેમ તે અંગે પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સફાઈ, પાણી જેવી આવશ્યક સેવાઓ પ્રભાવિત નહિ થાય અને તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat