


વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તા. ૨૭ ના રોજ પુ. જલારામ બાપાની જન્મજયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે સર્વજ્ઞાતીય મહાયજ્ઞ, અન્નકૂટ દર્શન, મહાઆરતી અને કેક કટિંગ કરી મહાપ્રસાદ યોજાશે.
મોરબી ખાતે છેલ્લા પાંચ વર્ષથી જલારામ મંદિર દ્વારા જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી વિશેષ વ્યક્તિઓના હસ્તે કરવામાં આવે છે જેમાં પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો અને ચોથા વર્ષે કિન્નરો તેમજ ગત વર્ષે શહીદ વીરના પરિવારજનોના હસ્તે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરાશે જે હાલ સરપ્રાઈઝ રાખવામાં આવ્યું છે તે ઉપરાંત સાંજે ૫ કલાકે ૫ થી ૧૫ વર્ષના સર્વજ્ઞાતીય બાળકો માટે વેશભૂષા સ્પર્ધા પણ યોજાશે જેમાં ઇનામો આપવામાં આવશે. તેમજ સર્વજ્ઞાતીય માટે મહાપ્રસાદ યોજાશે.