


મોરબી જીલ્લામાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો છે અને જીલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો સંગ્રહ થયો છે વળી રવિપાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીના પ્રશ્ન સાથે પાણીચોરીનો મુદો ગંભીર બન્યો છે ત્યારે જીલ્લા કલેકટર દ્વારા પાણીચોરી રોકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લા કલેકટર આર જે માંકડિયાએ આજે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંમાં મોરબી જીલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની ત્રણેય બ્રાંચ કેનાલ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને મોરબીની પીવાના પાણી માટેની પાઈપ લાઈન વિસ્તારમાં તા. ૨૩-૧૧-૧૮ થી 15-૦૭-૨૦૧૯ સુધીના સમયગાળા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જળાશયોમાંથી પસાર થતી કેનાલોમાંથી વ્યક્તિ કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે મોટર, સંપ કે ટેન્કર દ્વારા અથવા બક્નળીઓ મૂકી પાણીચોરી કરવી નહિ કે કેનાલ તેમજ પાઈપલાઈન તોડી પાણી ચોરી કરવી નહિ, જળાશયની નિયત હદથી ૫૦૦ મીટર ત્રિજ્યામાં નવા બોર કરવા નહિ તેમજ સબમર્શીબલ પંપ મૂકી જમીનમાંથી પાણી ખેંચવું નહિ, કે પાઈપલાઈન કે કેનાલ સાથે ચેડા કરવા નહિ.
વધુમાં મુખ્ય જળાશયના નિયત કરેલ વિસ્તારના ચાલુ બોર કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું વ્યક્તિ કે સંસ્થા જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી વિના વેચાણ કરી શકશે નહિ, સરદાર સરોવર નર્મદા નિગમ મોરબી જીલ્લામાંથી પસાર થતી ધ્રાંગધ્રા, માળિયા અને મોરબી બ્રાંચ કેનાલ નહેરોમાંથી વહન પામતા પાણીનો પીવાના કે સિંચાઈ હેતુસર રાજ્ય સરકારના હુકમો તેમજ સત્તાધિકારી મંજૂરીને આધીન વ્યાજબી અને કરકસરયુક્ત ઉપયોગ કરવાનો રહેશે.
તેમજ મોરબી જીલ્લામાંથી પસાર થતી પીવાના પાણી માટેની દરેક પ્રકારની પાઈપલાઈન કે એરવાલ્વમાં તોડફોડ કે ચેડા કરવા નહિ તેમજ ગેરકાયદેસર કનેક્શન લેવા નહિ તેમજ પાણીનો દુરુપયોગ, બગાડ કે વેચાણ કરવું નહિ આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે