મોરબી પાટીદાર શિક્ષક સમાજની સાતમી ચિંતન બેઠક અને સ્નેહ મિલન સંપન્ન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         સામાજિક, શૈક્ષણિક, રચનાત્મક અને સંગઠનાત્મક ક્ષેત્રે ‘હું’ નહીં ‘આપણે’ ની વિભાવના ચરિતાર્થ કરતી મોરબી પાટીદાર શિક્ષક સમાજની સાતમી ચિંતન બેઠક સૌને નૂતન વર્ષની શુભેચ્છા સાથે તા.7 ડિસેમ્બરના રોજ શ્રી રવાપર તાલુકા શાળા ખાતે મળી હતી.

આ બેઠક દર બીજા માસના પ્રથમ શનિવારે નિયમિત પણે મળતી રહે છે. સાતમી ચિંતન બેઠકમાં ખૂબજ બહોળી સંખ્યામાં તાલુકાના પાટીદાર પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહ્યાં અને સામાજિક વિકાસ અને રચનાત્મકતા માટે સંકલ્પીત થયા. આ બેઠકમાં શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો કોટડીયાભાઈ, આર.જી.બાવરવા, ડૉ. ભાવેશ જેતપરિયા, જાવિયાભાઈ, સવજીભાઈ અઘારા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

સૌ હોદ્દેદારો દ્વારા સામાજિક સમરસતા અને ફોરમ વિકાસ માટે આહવાન કરવામાં આવ્યું. પાટીદાર ધામના કિરીટભાઈ દેકાવડીયાએ પાટીદાર સામાજિક સંસ્થાઓના માધ્યમ થકી વિકાસ તેમજ પાટીદાર ગૌરવ એવા આદરણીય ગોવિંદભાઇ વરમોરાનો સત્કાર સમારોહ, ઊંઝા મુકામે આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ, જિલ્લા અને રાજ્ય કક્ષાનું પાટીદાર અધિકારી કર્મચારી સ્નેહમિલન કાર્યક્રમ બાબતે પોતાની વાત પ્રસ્તુત કરી. પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટના મંત્રી અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શિવલાલભાઈ ઓગાણજાએ સૌને આશીર્વાદ સાથે પ્રેરણા પૂરી પાડી. 

બેઠકમાં ઉપસ્થિત સૌ પાટીદાર શિક્ષક મિત્રોએ શ્રી મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિમાં પોતાનું આર્થિક યોગદાન સહદાન અર્પિત કર્યું. મોરબીના વિજયભાઈ જાકાસણીયા તરફથી તાલુકાની 40 શાળાઓને આકર્ષક દીવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી. તેમના દ્વારા કમ્પ્યૂટર કોર્ષ, ટૂર્સ, એલ.ટી.સી.અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. મોરબીના જાણીતા શિક્ષણ અગ્રણી મહેશભાઈ સાદરિયા દ્વારા હળવી શૈલીમાં સાહિત્ય સભર શૈક્ષણિક મોટિવેશન રજુ થયું. પાટીદાર કલબના અશ્વિનભાઈ એરણિયા અને જીજ્ઞેશભાઈ રાબડીયા દ્વારા કલબના આર્થિક ભંડોળ વિશે જાણકારી આપવામાં આવી.

આજની બેઠકના સ્વરૂચી ભોજનના દાતા માવજીભાઈ દેસાઈનું વિશિષ્ટ સન્માન થયું. આ ચિંતન બેઠક  સંદીપ આદ્રોજાના આયોજન અને માર્ગદર્શન તળે ખૂબજ સફળ રહી. રવાપર તાલુકા શાળાના હિરેનભાઈ ધોરીયાણી, મુકેશભાઈ બરાસરાએ સુચારૂ વ્યવસ્થા પૂરી પાડી. આ ચિંતન બેઠકનું આભાર દર્શન પાટીદાર શિક્ષક સમાજનું ગૌરવ એવા રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક હર્ષદ મારવાણીયા દ્વારા થયું. ચિંતન બેઠકનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા થયું. શ્રી મોરબી પાટીદાર શિક્ષક સમાજની આઠમી ચિંતન બેઠક આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ શનિવારે મળશે.

Comments
Loading...
WhatsApp chat