


માળિયા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ગ્રામજનોને સતાવતો હોય જે મામલે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સરપંચ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી અને એકપણ ગામને પીવાના પાણીનો પ્રશ્ન ના રહે તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી
મોરબી અને માળિયા પંથકમાં પીવાના પાણીના પ્રશ્ને અગાઉ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને પ્રશ્નના ઉકેલ માટેની માંગ કરી હતી અને ત્યારબાદ તાજેતરમાં ધારાસભ્યએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખી માળિયા ખાતે સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી જેમાં પાણીની સમસ્યાવાળા ગામોમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે જણાવ્યું હતું.
માળિયા તાલુકાના ભવપાર, વર્ષામેડી, મંદરકી, ખીરસરા સહિતના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન છે ત્યારે તમામ ગામોના સરપંચો અને પા.પુ. બોર્ડના કાર્યપાલક ઈજનેરની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં નર્મદા યોજનાની પાઈપલાઈન ઉપરાંત સ્થાનિક સ્ત્રોતમાંથી પાણીની સમસ્યા ઉકેલવા નિર્ણય લેવાયો હોવાનું પણ ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું.

