


દેશના દુશ્મનોને સરહદ પર ધૂળ ચાટતા કરી દેનાર આર્મીમાં પોતાની કર્તવ્ય નિષ્ઠાથી સેવા આપનાર જબલપુરના આર્મીમેન નિવૃત થઈને માદરે વતન પરત ફરતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ગૌરવની લાગણી સાથે આ યુવાનનો ગામમાં વરઘોડો કાઢીને ખુશી વ્યક્ત કરી હતી.
મોરબીના જબલપુર ગામે રહેતા લખનભાઈ તેજાભાઈ બાંભવા દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયા હતા. આર્મીમાં નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ તેઓ નિવૃત થતા પરત પોતાના ગામ પહોંચતા ગ્રામજનોએ તેઓના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. જેમાં લખનભાઈ બાંભવાનું ગામના નાના બાળકો થી લઈને મોટા વડીલો સૌ કોઈએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ગ્રામજનોએ નિવૃત આર્મીમેન લખનભાઈ બાંભવાનો ગૌરવની લાગણી સાથે વરઘોડો કાઢ્યો હતો તેમજ ફટાકડા ફોડ્યા હતા. લખનભાઈના આગમનથી ગામમાં જાણે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ સર્જાયો હતો.