

સરકાર દ્વારા ગરીબોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારી આવાસો બનાવીને ગરીબોને સસ્તા દરે મકાન ફાળવવામાં આવતા હોય છે જેમાં મોરબી ખાતે પણ ૪૦૦ આવાસો તૈયાર થઈ ચુક્યા છે જે ફાળવી દીધા છતાં લાભાર્થીઓ ત્યાં રહેવા માટે જઈ સકતા નથી કારણકે આવાસમાં વીજળી-પાણી સહિતની કોઈ સુવિધા હજુ મળી નથી.
મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૦૦૮ આવાસ બનાવવાના આયોજન સંદર્ભે મોરબીના લીલાપર રોડ પર ૪૦૦ આવાસ તૈયાર થયા બાદ ગત જાન્યુઆરી માસમાં લકી ડ્રો કરીને તમામ આવાસની ફાળવણી કરી દેવામાં આવી હતી. જોકે આઠ માસનો સમય વીત્યા છતાં ૪૦૦ માંથી માંડ વીસેક જેટલા આવાસોમાં જ લોકો રહેવા આવ્યા છે જયારે બાકીના ખાલી પડ્યા છે જે અંગે તપાસ કરતા ચોકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે કે આવાસમાં લાઈટ, પાણી કે ભૂગર્ભની કોઈ વ્યવસ્થા જ નથી જેથી લાભાર્થીઓ રહેવા આવી સકતા નથી. તો ભૂગર્ભ સુવિધા ના હોવાથી અહી રહેવા આવનાર પરિવારની દીકરીઓને પણ ખુલ્લામાં કુદરતી હાજત માટે જવું પડે છે. લાઈટ, પાણી, રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે જેનો તાજ્જો દાખલો આવાસ યોજનામાં દાખવેલી બેદરકારીથી મળી રહે છે. ક્વાર્ટર તૈયાર થયાને આટલો સમય વીત્યા છતાં હજુ પાણી, લાઈટ અને ભૂગર્ભની સુવિધા પાલિકા આપી શક્યું નથી. જેથી ઝુપડપટ્ટીના રહેવાસીઓને ઘરનું ઘર મળ્યા છતાં તેને હજુ પણ ઝુપડપટ્ટીમાં જ આશરો લેવાની ફરજ પડી છે. તો આ મામલે લાભાર્થીઓ ફરિયાદ કરે છે પરંતુ નીમ્ભર તંત્રના કાને લોકોની ફરિયાદ પહોંચતી જ ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
સરકારી આવાસમાં વિવિધ સુવિધાના અભાવ અંગે પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું કે પાણીની મોટર બંધ હોય જે તાકીદે શરુ કરાશે તેવી જ રીતે પીજીવીસીએલ સાથે સંકલન કરીને ૫૨ મીટર લગાવ્યા છે જયારે બાકીના વીજ મીટરની કાર્યવાહી ચાલુ જ છે તેમજ ભૂગર્ભનો પ્રશ્ન પણ વહેલી તકે ઉકેલાઈ જશે. આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાને ભરવાના થતા હપ્તા ભર્યા ના હોવાથી કબજો સોપવામાં આવ્યો નથી જેથી ભરવાની થતી રકમ મળ્યે તુરંત કબજો સોપવામાં આવી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું.