ઉપવાસ આંદોલન ફળ્યું, માળિયાના ખેડૂતોને કેનાલમાં પાણીની આવક ચાલુ
૧૨ ગામના ખેડૂતોના ત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ


માળિયા તાલુકાના છેવાડાના ૧૨ ગામો સુધી નર્મદા બ્રાંચ કેનાલનું પાણી પહોંચતું ના હોય જેથી પાણીચોરી રોકવા અને ખેડૂતોને સિંચાઈના પાણીની માંગ સાથે ૧૨ ગામના ખેડૂતોએ ત્રણ દિવસના ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જે ત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યા છે તો આંદોલનની ફલશ્રુતિ સ્વરૂપે પાણીની આવક શરુ થઇ હોય જેથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે
મોરબી જીલ્લાના માળિયા તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાંચ કેનાલમાંથી ખાખરેચી, ઘાંટીલા, સુલતાનપુર સહિતના ૧૨ ગામના ખેડૂતોને પાણી મળતું ના હોય અને બ્રાંચ કેનાલ હોવા છતાં પાણી મળતું ના હોય જેથી ખેડૂતોએ અગાઉ તંત્રને રજુઆતો કરી થાક્યા બાદ સોમવારથી ઉપવાસ આંદોલન શરુ કર્યા હતા અને ઉપવાસ બાદ તંત્ર જાગ્યું હોય તેમ નર્મદા કેનાલમાંથી પાણી ચોરી રોકવાની કાર્યવાહી શરુ કરી હતી જેમાં દેડકા, બકનળી હટાવવાની તેમજ પેટ્રોલિંગ સહિતની કામગીરી શરુ કરવામાં આવી હતી અને પાણીની આવક શરુ થઇ છે
જેમાં બુધવારે પાણી ખાખરેચી સુધી પહોંચી ગયું છે તો ગુરુવાર સુધીમાં ખીરઈ અને સુલતાનપુર સુધી પહોંચી જાય તેવો આશાવાદ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે તો ત્રણ દિવસના ઉપવાસ આંદોલન બાદ ખેડૂતોને પાણી મળી ગયું છે અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા લાચાર ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને ઉભો પાક બચી જશે તેવી આશા બંધાઈ છે
ગુરુવારે ખેડૂતો સવારે જિલ્લા કલેકટરના હસ્તે પારણા કરશે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવશે



