


મોરબી નજીક કોપીરાઈટ ધરાવતા ચુનાના પાઉંચના રોલનું પરવાનગી વગર પ્રિન્ટિંગ કરતું કારખાનું ઝડપાયું છે. જે મામલે કારખાનાના ૩ સંચાલકો સામે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસે બાયપાસ રોડ પર આરટીઓ પાસે રાજા પોલીમર્સમાં કોપીરાઈટ ટ્રેડમાર્ક ધરાવતી સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પરવાનગી વિના તેના ચુનાના પાઉંચના રોલ પ્રિન્ટિંગ કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને મોરબી તાલુકા મથકના પીએસઆઈ એસ.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે કારખાનામાથી રૂ. ૧,૦૧,૩૬,૫૮૮ નો મુદામાલ જપ્ત કરી સંચાલકો અંકુરભાઈ ચતુરભાઈ પાંચોટીયા, ચંદુલાલ ઉર્ફે રાજાભાઈ બાબુભાઇ ઉધરેજા અને દશરથભાઈ ચતુરભાઈ દલવાડી સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.