


મોરબી પંથકમાં ઉદ્યોગોના વિકાસની સાથે પ્રદુષણનો પ્રશ્ન પણ માઝા મૂકી રહ્યો છે. પ્રદુષણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. મોરબી ખાતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી કાર્યરત હોવા છતા કારખાનેદારો બેફામ બન્યા છે ત્યારે મોરબી નજીકના મોડપર ગામે રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને પ્રદુષણને કારણે રોગચાળો ફેલાયો હોવાથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરવાની પણ ફરજ પડી છે.
મોરબીના બગથળા નજીક આવેલા મોડપર ગામમાં છેલ્લા એક માસ કરતા વધુ સમયથી રોગચાળો ફેલાયો હોવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું સપ્ટેમ્બર માસથી મોડપર ગામમાં રોગચાળાની સ્થિતિ જણાતા બગથળા પીએચસી અને મોરબી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા દોડધામ કરી રહી છે. આ ગામના ૧૩૪૦ લોકોનો છેલ્લા એક માસ કરતા વધુ સમયમાં છ વખત સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચીકનગુનિયા ઉપરાંત સાંધાના દુઃખાવા અનેક દર્દીઓમાં જોવા મળ્યા હોય, તા. ૨૪ ના રોજ મોડપર ગામે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા અને તેની ટીમે ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં મોડપર ગામ નજીક આવેલી સનમાયકાની ફેક્ટરી આવેલ છે જે ફેક્ટરી દ્વારા પ્રદુષિત ઘુમાડો આવતો હોવાથી રોગચાળા અંગે ગ્રામજનોએ ફરિયાદો કરી હતી જેને પગલે જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મોરબી કચેરીના રિજ્યોનલ અધિકારીને લેખિત પત્ર પાઠવીને ફેક્ટરીમાં જરૂરી કાર્યવાહી કરી ફેકટરીમાં જોખમી કેમિકલ કે અન્ય જોખમી પદાર્થ કે વસ્તુનો ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ તેનો સચોટ અભિપ્રાય મેળવવા માટે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રિજ્યોનલ કચેરી કાર્યરત છે જોકે પ્રદુષણ ફેલાવતા એકમો સામે કચેરીની કાર્યવાહી અંગે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે મોડપર ગામમાં ફેલાયેલા રોગચાળાને પગલે આરોગ્ય તંત્રે પ્રદુષણ નિયંત્રણ બોર્ડનો કાન આમળવો પડ્યો છે ત્યારે હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરશે કે ચાલતા હે ની નીતિ અપનાવશે તે જોવું રહ્યું.