પાણીનો પોકાર ! માળીયાના ૧૬ ગામોને ચાર દિવસે કરાય છે પાણી વિતરણ
પાણીની તંગી નહિ સર્જાય તેવા રાજ્ય સરકારના દાવા પોકળ



રાજ્યભરમાં ઉનાળાની સાથે જ પીવાના પાણીનો કકળાટ અને પાણીની તંગીના દ્રશ્યો સર્જાતા હોય છે તેમાય વળી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં તો પીવાના પાણીની રોકકળ જોવા મળતી હોય છે ત્યારે મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ૧૬ ગામોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે
મોરબી જીલ્લાનો માળિયા તાલુકો પછાત માનવામાં આવે છે જ્યાં અનેક પ્રાથમિક સુવિધાઓથી હજુ નાગરિકો વંચિત છે તો આવા આકરા તાપમાં પીવાના પાણીની તંગી નાગીર્કોને રડાવી રહી છે. માળિયા તાલુકાના જુના ઘાંટીલા, વેજલપર, રોહીશાળા, મંદરકી, કુંભારિયા, વેણાસર, ચીખલી અને અણીયારી સહિતના ૧૬ ગામોમાં પ્રજાને ચાર દિવસે પીવાનું પાણી મળે છે
જેથી નાગરિકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો આકરા તાપમાં ચાર દિવસે પીવાનું પાણી મળતું હોવાથી આ સમસ્યાને વાચા આપવા માટે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરી છે તેમજ ખાખરેચી વોટર વર્કસમાં પુરતો પાણીનો જથ્થો નર્મદા પાઈપલાઈનમાંથી ખીરઈ સંપ દ્વારા મળતો રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

