વિવાદ યથાવત : ખાનપર સ્મશાન જમીન ફાળવવા મુદે પટેલ સમાજનો વિરોધ

 

ખાનપર ગામે અનુ.જાતિના લોકોને સ્મશાન માટે જમીન ફાળવવા મામલે ગત રાત્રીથી ચાલતી મડાગાંઠનો સુખદ ઉકેલ આવ્યો હોય તેમ બપોરે મામલો થાળે પડ્યો હતો અને જમીન અંગેનો હુકમ કરી દેવાયો હતો જોકે ત્યારબાદ પટેલ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા ખાનપર ગામે તંગદીલીભરી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ખાનપર ગામના અનુ. જાતિના લોકો સ્મશાન મામલે મૃતદેહ કલેકટર કચેરી લાવ્યા બાદ હોબાળો મચ્યો હતો અને દલિત આગેવાનોને સમજાવટના કલાકો સુધીના પ્રયાસો અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ મામલો થાળે પડ્યો હતો અને પ્રશ્નનો સુખદ નિવેડો આવ્યો હોય અને સમાધાન થઇ જતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો જોકે તંત્રને હજુ દોડધામ કરવાની બાકી હોય તેમ તંત્રના નિર્ણય બાદ ખાનપર ગામમાં વસતા પટેલ સમાજ દ્વારા આ જમીન ફાળવવાનો વિરોધ કરાયો હતો અને દલિત તેમજ પટેલ સમાજ સામસામે આવી જાય તેવી સ્થિતિ વચ્ચે પોલીસે તુરંત ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો

તો પટેલ સમાજના ટોળા રોડ પર બેસી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે પટેલ સમાજના વિરોધને પગલે એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે જોકે પટેલ સમાજ દ્વારા વિરોધ યથાવત હોવાનું જાણવા મળ્યું છે તો ચાપતા પોલીસ બંદોબસ્તને પગલે હાલ સ્થિતિ કાબુમાં છે

અનુ. જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવાઈ છે તેની જમીન માપણી સમયે વિરોધ નોંધાવ્યો હતો અને પટેલ સમાજ દ્વારા આજે આ સ્થળે દફન વિધિ ના કરવી તેમજ તેઓ પોતાનો પક્ષ રજુ કરે તે સાંભળવા માટે તંત્રને અપીલ કરી હતી જે માન્ય રાખી હોવાની માહિતી પણ સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

Comments
Loading...
WhatsApp chat