


મોરબીમાં વર્ષ ૧૯૭૯ ની સાલમાં આવેલા ભયાનક જળ હોનારતે તબાહી સર્જી હતી. અને હોનારત પીડિતો માટે સરકારે જમીન ફાળવતા સંસ્થાના સહયોગથી મકાન બાંધી આપવામાં આવેલ પરંતુ ત્યારબાદ હોનારત પીડિત સોસાયટીમાં દસ્તાવેજનો પ્રશ્ન અદ્ધરતાલ હોવાથી આઠ સોસાયટીના રહીશોએ લડત ચલાવી હતી. જેમાં રેલી અને આવેદન આપવા ઉપરાંત હોનારત પીડિતોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતનો દોર ચલાવ્યો હતો જેના સુખદ પરિણામ સ્વરૂપે સરકારે નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે. ૧૯૭૯ માં મચ્છુ ડેમ હોનારતના કારણે અસરગ્રસ્તોની પુનઃ વસવાટ માટે સરકારે યોજનાના મકાનોનો તબદીલી વેચાણ બાબતે કરેલા ઠરાવથી પ્રીમીયમ વસુલ કરવા અંગે જોગવાઈ કરી હતી જોકે આ અંગે વિચારણા બાદ ઠરાવમાં સુધારો કરી મચ્છુ-૨ હોનારતના અસરગ્રસ્તોને ફાળવેલ તમામ પ્લોટ મકાનોને ૩૫ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો હોવાથી ખાસ કિસ્સામાં કોઈપણ પ્રીમીયમ વસુલ કર્યા વિના જૂની શરતમાં ફેરવી આપવાનો ઠરાવ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.