



મોરબી નગરપાલિકા કચેરી દર વર્ષે વેરા વસુલાતની કામગીરી આખરી દિવસોમાં શરુ કરતી હોય છે તો બીજી તરફ આસામીઓ પણ વેરા ભરવામાં ઉદાસીનતા દાખવતા હોય છે જોકે ચાલુ વર્ષે પાલિકાની ૧૦ ટકા રીબેટ યોજનાને પગલે ટેક્ષની આવક નોંધપાત્ર રહી છે અને ચાલુ માસે જ ૨ કરોડથી વધુના વેરા વસુલાત કરવામાં આવ્યા છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વેરો ભરનાર આસામીને ૧૦ ટકા રીબેટ યોજના અમલમાં મૂકી હતી અને આ યોજના પાલિકાને ફળી છે જેમાં સપ્ટેમ્બર માસમાં જ હાઉસિંગ ટેક્ષ સહિતના વેરામાં ૧.૯૮ કરોડ રૂપિયાની આવક થઇ છે તેવી જ રીતે એક માસમાં વ્યવસાય વેરામાં ૧૨ લાખની આવક થવા પામી છે
ચાલુ નાણાકીય વર્ષમાં હાઉસિંગ ટેક્ષની અત્યાર સુધીમાં કુલ ૮.૩૩ કરોડની વેરા વસુલાત કરી છે અને ૩૯ ટકા કામગીરી થઇ છે જે માર્ચના અંત સુધીમાં ૮૦ ટકા સુધી પહોંચી જશે તેમજ વ્યવસાય વેરામાં કુલ ૬૦ લાખની વેરા વસુલાત કરીને ૮૦ ટકા કામગીરી આટોપી લેવાઈ હોવાનું પાલિકાના ટેક્ષ વિભાગના ચંદ્રેશભાઈ દંગી અને અંજારિયાભાઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે તો પાલિકાની તિજોરીમાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ૮.૯૩ કરોડ રૂપિયાની આવક થઇ છે



