


ટંકારા નજીકના રસનાળ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ વચ્ચે એક આચાર્ય અને એક શિક્ષકથી જ શાળા ચાલે છે અને એક શિક્ષક પર સમગ્ર ભાર આવતો હોય જેથી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહ્યું છે.
રસનાળના સરપંચ વી.એમ. જીવાણી દ્વારા શાળામાં નવા શિક્ષકોની નિમણુક કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે રસનાળ પ્રાથમિક શાળામાં હાલ ૯૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેને ભણાવવા બે શિક્ષકો છે જેમાં આચાર્ય તો મીટીંગો અને સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે જેથી એક શિક્ષક સમગ્ર શિક્ષણ કાર્યનો ભાર ઉઠાવી રહ્યા છે. એક શિક્ષક વધુમાં વધુ બે ક્લાસ સાચવી સકે પરંતુ બાકીના વર્ગના વિદ્યાર્થીઓનું શું ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
રસનાળ ખાતે તા. ૦૨-૦૬-૧૮ ના રોજ યોજાયેલ ગ્રામસભામાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને આ અંગે ૨૦ દિવસ પૂર્વે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીને રજૂઆત કરી છે પરંતુ શિક્ષકોની નિમણુક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાયેલ છે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવાનો નિર્ણય કરવામાં આવેલ જોકે આંદોલન કરવા તૈયાર થયેલ પરંતુ સમજાવટથી હાલ પુરતું આંદોલન અને તાળાબંધી કાર્યક્રમ મોકૂફ રાખેલ છે પરંતુ સરપંચ જીવાણી દ્વારા રસનાળ પ્રાથમિક શાળામાં તાકીદે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે

