સાંસદના ઘર બહાર અજાણ્યા ઈસમોની શંકાસ્પદ ગતિવિધિ ? જાણો વધુ….

સાંસદ મોહન કુંડારિયાના ઘર નજીકની ઘટના

 

રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા મોરબી ખાતે નિવાસ ધરાવે છે જેના ઘર બહાર શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ જોવા મળતા આજે લત્તાવાસીઓએ પોલીસને જાણ કરી હતી અને ત્રણ ઈસમોની શંકાને આધારે અટકાયત કરવામાં આવી હતી

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું મોરબીના રવાપર રોડ પરની દર્પણ સોસાયટી ખાતેના નિવાસસ્થાન બહાર બે દિવસથી અલ્ટો કારના શંકાસ્પદ આંટાફેરા જોવા મળ્યા હોય જેને પગલે તેના પરિવારજનો અને લત્તાવાસીઓએ જાગૃતતા દાખવી હતી અને આજે ત્રણ ઇસમોને રોકી રાખીને પોલીસને જાણ કરતા એ ડીવીઝન પીએસઆઈ એમ.વી.પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી હતી

જેમાં શકમંદોએ પોતે મોબાઈલ ટાવર કંપનીના સર્વિસ કામ સાથે જોડાયેલા હોવાની ઓળખ આપી હતી અને ટાવર ચેક કરવા આવતા હોવાનું જણાવ્યું હતું જે શકમંદોને પોલીસ મથકે લઇ જઈને પોલીસે ધોરણસરની પુછપરછ ચલાવી હતી અને ત્રણેય કર્મચારીના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ તેનો છુટકારો થયો હતો.

આ સમયે સાંસદ મોહનભાઈ કુંડારિયા ઘરે હાજર ના હતા પરંતુ તેમના પરિવાર અને લત્તાવાસીઓની જાગૃતતાને પોલીસે પણ બિરદાવી હતી અને આવી કોઈ ગતિવિધિ જોવા મળે તો નાગરિકો તુરંત પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ પણ પોલીસે કરી હતી.

Comments
Loading...
WhatsApp chat