મોરબીમાં એક વર્ષની બાળકીનું જડબાનું સફળ ઓપરેશન

મેડીકલ સાયન્સ આજે એટલું આગળ વધી ગયું છે કે તેની કલ્પના કરવી પણ સામાન્ય લોકો માટે અઘરી છે. મેડીકલ સાયન્સમાં રોજ નવા વિક્રમો સર્જાય છે જેમાં મોરબીના ખાનગી ડોકટરોએ નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. અતિ જટિલ કહેવાતા જડબાનું ઓપરેશન મોરબીના ડોકટરોએ સફળતાથી પૂર્ણ કરી બતાવ્યું હતું અને એક વર્ષની બાળકીને નવજીવન આપ્યું હતું.

મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રેવાબેન પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે તા. ૧૩ ના રોજ એક વર્ષની બાળકીને લોહીલુહાણ હાલતમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકીને મોઢાના અંદરના ભાગ જીભ, દાંતમાં ગંભીર ઈજા છે તથા જડબાનું ગંભીર ફેકચર થયું છે. આ જવલ્લે જ જોવા મળતી ઈજા છે. કુદરતી રીતે બાળકોના જડબાનો વિકાસ એવી રીતે થાય છે કે ફેકચરની શક્યતાઓ નહીવત રહે છે જોકે હજારે એક દર્દીને આવા ગંભીર ફેકચર થઈ સકે છે. સામાન્ય રીતે આ પ્રકારની ઈજાની સારવાર મોટા શહેરોમાં જ કરવામાં આવે છે જોકે મોરબીની સદભાવના હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. સાગર હાંસલિયા, ડેન્ટીસ્ટ ડો. દીપા હાંસલીયા, બાળકોના ડો. અમિત ધુલે અને એનેસ્થેસીયા ડો. રૂપારેલીયાએ બાળકીની જટિલ સારવારનું બીડું ઝડપ્યું હતું. દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોકટરોની ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું અને મોરબીના ડોકટરોની ટીમે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ઓપરેશન બાદ દર્દીને સહી સલામત હાલતમાં વોર્ડમાં દાખલ કરવામાં આવેલ અને તાજેતરમાં તેને રજા આપવામાં આવી હતી. જટિલ પ્રકારનું જડબાનું ઓપરેશન સફળતાથી પાર પાડનાર ડોકટરોની ટીમનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat