


મોરબી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે જે અંગે લોકોને માહિતી આપતા જણાવ્યું છે કે મોરબીમાં રસ્તે રખડતા ઢોર-ખુંટીયા પકડવાની કામગીરી શરુ કરી છે. એક સપ્તાહ દરમિયાન જેમાં ૫૦ જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના સુચન મુજબ રખડતા ઢોર પકડીને તેને પાંજરાપોળમાં મુકવામાં આવશે. ધારાસભ્ય અમૃતિયા મોરબી પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. જેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તે રખડતા ખુંટીયા સહિતના ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે તેમજ આવા ઢોરને પકડીને રાખવા ક્યાં તે પ્રશ્ન પણ સતાવતો હોવાથી ઢોર પકડવાની ઝુંબેશ અગાઉ શરુ કરીને બંધ કરી દેવી પડતી હતી જોકે પાંજરાપોળમાં પશુને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પાલિકાએ ઢોર પકડવાનું અભિયાન શરુ કર્યું છે. જેમાં પકડાયેલા ઢોર જો કોઈની માલિકીના હશે તેને પાંજરાપોળના નિયમ મુજબ ચાર્જ ભરીને છોડાવી શકાશે ટ્રાફિક સમસ્યા અને સંભવિત અકસ્માતો નિવારવા મોરબી પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કોઈપણ ઢોર માલિકોએ તેના ઢોર છુટા ના મુકવાની અપીલ પણ કરવામાં આવી છે.