


સૌરાષ્ટ્રમાં વિશાળ ભારતીય કન્ટેનર નિગમ લી. (કોનકોર) રેલવે મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્યરત ત્યારે કોનકોર અને શિવ કેરિયર્સ વચ્ચે થયેલ કરાર મુજબ તાલુકાના સુખપર ટર્મિનલથી પહેલી કન્ટેનર રેલ સેવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ હળવદ, મોરબીના ધારાસભ્ય સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હળવદ તાલુકાના સુખપર અને શકિતનગર પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા રેલવે યાર્ડનો આરંભ કરાતા ઉદ્યોગને વેગ મળશે તેમજ ટ્રાન્સપોર્ટરોને પણ અનેક સવલતો પ્રાપ્ત થશે. યોજાયેલ કાર્યક્રમમાં કોનકોરના મુખ્ય મહાપ્રબંધક પ્રણય પ્રભાકરે જણાવ્યું હતું કે, કોનકોર શરૂઆતમાં શાલીમાર રેલ ટર્મિનલ માટે અને આગળ જતા હૈદરાબાદ, કાનપુર, પટના, ગુહાટી, આસમા જેવા વિવિધ વિસ્તારો માટે કાર્ગો કન્ટેનરોની હેરાફેરી માટે ટ્રેન સેવાઓ નજીવા દરોમાં શરૂ કરાશે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, આ થકી વેપારીઓના રોડ ટ્રાન્સપોર્ટના ખર્ચમાં મોટાપાયે ઘટાડો થશે સાથે જ ટ્રાન્સપોર્ટરોને આર્થિક ફાયદો થશે. કોનકોર પાસે પુરતા પ્રમાણમાં કન્ટેનરો હાજર હોઈ અને દેશના દરેક ખુણામાં કોનકોરના ૮૦ જેટલા ટર્મિનલો આવેલા છે જયાંના કોઈપણ સ્થળે ટ્રાન્સપોર્ટરો ટ્રેન મારફતે પોતાનો માલ – સામાન મોકલી શકશે. આ કાર્યક્રમમાં ઉપસ્થીત મોરબી – માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન સુવિધા દ્વારા મોરબી ટાઈલ્સ સીરામીક ઉદ્યોગને ઘણો ફાયદો થશે સાથે જ હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ જાહેરાત કરેલ કે, હળવદથી સુખપર રેલ ટર્મિનલ સુવિધાનો પાકો રોડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ સાથે જ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈએ જણાવેલ કે, મોરબી દુનિયાનું બીજું સીરામીક કલસ્ટર છે અને આવતા પાંચ વર્ષમાં નંબર વન બની શકે છે. આ રેલ સેવાથી મોરબી ઉદ્યોગને આવતા દિવસોમાં ચોક્કસ આર્થિક ફાયદો થશે.
આ તકે અમદાવાદના ડીઆરએમ દિનેશકુમારએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ટાઈલ્સ સીરામીક તથા મીઠાના ઉદ્યોગ તરીકે જાણીતો છે. ત્યારે આવતા દિવસોમાં વેપારીઓને આ રેલ સેવાથી લાભ મળનાર હોઈ અને વેપારીઓને વેપારની ઉજળી તક મળશે. તો આ પ્રસંગે રેલ ટર્મિનલના મેનેજીંગ ડિરેકટર અવધેશભાઈ ચૌધરીએ યાર્ડ નિર્માણ પામવાના સમય ગાળા દરમિયાન યોગદાન અને સહકાર આપવા બદલ રેલવેના અધિકારીઓ અને ગામના સરપંચ અને પધારેલ મહાનુભાવોની આભારવિધિ કરી હતી.