



ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. હેઠળ હળવદ ગામના સર્વે નં.૧૪૮૩ પૈકી ૧ તા. હળવદ જિ.મોરબીમાં ૪૯૦૦ ચો.મી. વિસ્તારમાં રૂા. ૬૨૩.૧૧ લાખના ખર્ચે ૬૬ કે.વી. હળવદ-૩ સબસ્ટેશન ઉભું કરવામાં આવશે.
આ ૬૬ કે.વી.હળવદ-૩ સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા તખ્તિ અનાવરણ ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે આજરોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્જામંત્રીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, મોરબી જિલ્લામાં હાલમાં કુલ-૯૨ સબસ્ટેશનો કાર્યાન્વિત છે. જેમાં ૬૬ કે.વી.હળવદ-૩ સબસ્ટેશન આ ભૂમિપૂજન બાદ કાર્યાન્વિત થશે. જયારે મોરબી જિલ્લામાં૬૬ કે.વી. કલાસના કુલ-૮૧ સબસ્ટેશનો કાર્યાન્વિત થશે. અને ૬૬કે.વી. સબસ્ટેશન થવાથી હળવદ તાલુકાના હળવદ, રણજીતગઢ, કેદારીયા, માનસર અને રાણેકપર ગામોને તથા હયાત કુલ ૧૫૨૯ રહેણાંક અને ૧૭૯ વાણીજય(જેજીવાય), ૮૪ ઔદ્યોગિક, ૨૯૯(એજી) અને ૧૫ વોટર વર્કસ અને ૨૦ અન્ય વીજગ્રાહકોને પુરતા વીજદબાણથી વિજ પુરવઠો મળવાનો લાભ થશે. તેમજ આ સબસ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામોના ખેતીવાડી, રહેઠાણ અને ઔદ્યોગિકને અંદાજે ૨૧૨૬ ગ્રાહકોને સતત ગુણવત્તા સભર વીજળી પૂરી પાડી શકાશે.
વધુમાં મંત્રી સૌરભભાઇ પટેલે જાણાવ્યું હતું કે, સિરામિકનો ઉદ્યોગ હળવદ-મોરબી રોડ ઉપર સતત વિકસી રહયો છે. તેમને પણ આનો લાભ મળશે અને આવા સબસ્ટેશનો પ્રસ્થાપિત કરી મોરબી-હળવદ સિરામિક ઉદ્યોગકારોને જોડવાનું કામ થશે. જયારે મંત્રીએ ’’સુર્યશકિત કિસાન યોજના’’ જે એક સુર્યકિરણથી વિજપુરવઠો ઉત્પન કરવા માટેની યોજના છે. જેના વિશે સવિસ્તાર માહીત અને માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાનો વધુમાં વધુ ખેડુતો લાભ લે તેવી અપિલ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયા અને સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઇ ફતેપરા હાજર રહયા હતાં અને તેઓએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, અગ્રણી બિપીનભાઇ દવે, જિલ્લા કલકેટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જેટકો-વડોદરા એમ.ડી. બી.બી.ચૌહાણ, જેટકો સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.વી.સંઘવી અને જેટકોના કર્મચારીઓ તથા ખેડુતમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.



