સર્વધર્મ સમભાવ : મોરબીના પોલીસ જવાન કરે છે પવિત્ર રમજાન માસમાં રોજા

આજે જયારે ધર્મના નામે લડત જોવા મળે છે અને જ્ઞાતિ તેમજ અન્ય ધર્મ વચ્ચે ઘર્ષણના સમાચારો માધ્યમોમાં ચમકતા રહે છે ત્યારે સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરતો કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે જેમાં એક પોલીસ જવાન પવિત્ર રમજાન માસમાં રોજા કરીને કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

રાજકોટના વતની અને છેલ્લા સાત વર્ષથી મોરબી જીલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા ચેતનભાઈ કડવાતર હાલ બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે જે ચેતનભાઈ નામના પોલીસ જવાન મુસ્લિમ ના હોવા છતાં પવિત્ર રમજાન માસમાં રોજા કરી રહ્યા છે. આખો માસ રોજા કરીને પ્રભુની બંદગી કે ઈબાદત જે કહો તે કરી રહ્યા છે ત્યારે અહી પેલી ઉક્તિ પણ સાર્થક થતી જોવા મળે છે કે “નાતી જાતી પૂછે ના કોઈ, હરી કો ભજે સો હરી કા હોઈ” તેમ ચેતનભાઈ કડવાતર છેલ્લા ત્રણ વર્ષથી પવિત્ર રમજાન માસના રોજા કરી રહ્યા છે

તે ઉપરાંત તેઓ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તો નવરાત્રીમાં પણ ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા હોય છે. આજે ધર્મના નામે ભાગલા પાડવાની રાજનીતિ હાવી જોવા મળે છે ત્યારે દરેક ધર્મને સદભાવથી જોવાનો વખત આવી ગયો છે અને ચેતનભાઈ જેવા પોલીસ જવાન ધર્મ કે જાતિના નામે લડતા લોકોને સુંદર સંદેશ પણ આપી રહ્યા છે. સર્વધર્મ સમભાવ જેવી ભાવનાની માત્ર વાતો કરવાને બદલે ખરેખર આવા પ્રયાસો કરવામાં આવે તો કોમી એખલાસનું વાતાવરણ સર્જી સકાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Comments
Loading...
WhatsApp chat