


મોરબી પંથકમાં ભાગીદાર પાસેથી ૧૫ લાખ રૂપિયાની ઉઘરાણી મામલે બે શખ્શોએ યુવાનને માર મારી તેના ઘરમાંથી લાખોની રોકડ તેમજ ટીવી અને એસી સહીત ૬.૯૦ લાખની મત્તા પડાવી ગયા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના એરપોર્ટ રોડ પરના રહેવાસી અને હાલ મોરબીના રવાપર રોડ પરના લોટસ ૨ એપાર્ટમેન્ટ બ્લોક નં ૪૦૧ માં વસવાટ કરતા રાહુલ અશ્વિનભાઈ કોટેચાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજય રાજેશ વિઠલાણી રહે. દાઉદી પ્લોટ મોરબી અને હિતેશ ગેડિયા રહે ટંકારા એ બંને શખ્શોએ તેણે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગત તા. ૨૬-૦૩ થી અત્યાર સુધીમાં અવારનવાર ફોન પર ધમકી આપી ૧૫ લાખ બળજબરીથી કઢાવવા કોશિશ કરી હતી
વધુમાં તેના ફ્લેટનું બળજબરીથી સાટાખત કરાવી લઈને રોકડ રૂપિયા સાડા છ લાખ અને એક ટીવી તથા એક એસી મળીને કુલ ૬.૯૦ લાખની રકમ પડાવી લઇ તેમજ ફ્લેટનું સાટાખત કરાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. તો બળજબરીથી ફ્લેટનું સાટાખત કરાવનાર અને ધમકી આપનાર આરોપી વિજય વિઠલાણી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

