



વિવિધ પડતર પ્રશ્નોને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા હડતાલ કરી દેવામાં આવી છે જેના આજે છઠ્ઠા દિવસે સિરામિક ફેકટરીઓમાં રો મટીરીયલ્સનો જથ્થો ખૂટી જાતા નાછૂટકે સિરામિક ફેકટરીઓ શટ ડાઉન લેવાની સ્થિતિ નિર્માણ પામી છે તો સિરામિક એસો દ્વારા ગેસ એગ્રીમેન્ટમાં રાહત આપવાની માંગ કરી હતી જેમાં રાહતની ખાતરી આપી છે જોકે બીજી તરફ રો મટીરીયલ્સનો સ્ટોક ખૂટી જતા ૮૦ ટકા ફેકટરીઓ શટડાઉન લે તેવી સ્થિતિ નિર્માણ પામી છે
રો-મટીરીયલ્સનો જથ્થો ખૂટી જતા લેવું પડશે શટડાઉન
આ અંગે માહિતી આપતા સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ છ દિવસથી ચાલી રહી છે જેથી મોટાભાગની ફેકટરીઓમાં રાજસ્થાનની માટી, પાવડર સહિતનો રો મટીરીયલ્સનો સ્ટોક પૂર્ણ થયો હોય જેથી નાછુટકે શટડાઉન લેવાની ફરજ પડશે
બે દિવસમાં ૮૦ % ફેકટરીઓ થશે બંધ
મોરબીની સિરામિક ફેકટરીઓમાં રો મટીરીયલ્સનો સ્ટોક ના હોવાથી ગુરુવારે અને શુક્રવાર એમ બે દિવસના સમયમાં ૮૦ ટકા ફેકટરીઓ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શટ ડાઉન લેશે અને દરરોજ કરોડોનું ટર્નઓવર ઠપ્પ થતા નુકશાનીનો આંક વધતો જશે
એક્સપોર્ટ અટકી જતા ઉદ્યોગને બેવડો માર
મોરબી સિરામિક ઉદ્યોગ દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ કન્ટેનર એક્સપોર્ટ કરે છે જોકે છેલ્લા બે દિવસથી એક્સપોર્ટ કન્ટેનર કંડલા પોર્ટ ખાતે અટકી જતા ઉદ્યોગને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે અને બેવડો માર સહન કરવો પડે છે તો સમયસર માલ ના પહોંચે તો વિદેશી વેપારીઓ ચીનથી માલ મંગાવશે તેમજ કાર્ગો બૂક કરેલ હોય જેથી તેનો ચાર્જ પણ ફરજીયાત ચૂકવવો પડશે
ફેક્ટરી બંધ છતાં ગેસના બીલ રહેશે ચાલુ ?
મોરબીની ૪૫૦ થી વધુ ફેકટરીઓ ગુજરાત ગેસ સાથે કરારથી જોડાયેલી છે જેથી ફેક્ટરી શટડાઉન લેશે છતાં પણ ગેસનું બીલ ચાલુ રહેશે જેથી એસો દ્વારા ગેસ કંપનીને લેખિત રજૂઆત કરીને એગ્રીમેન્ટમાં રાહત આપવાની માંગ કરી છે અને ટ્રાન્સપોર્ટ હડતાલ સમેટાઈ જાય તો પણ શટ ડાઉન બાદ ૧૦ દિવસે ફેક્ટરી ચાલુ રહેશે જેથી આ ક્વાર્ટરનું બીલ ના ચડે તેવી માંગ કરવામાં આવી છે અને ત્વરિત નિર્ણય કરીને ઉદ્યોગને રાહત આપવાની માંગ કરી છે જેના જવાબમાં ગુજરાત ગેસ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી રાહત આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે



