Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિંચાઈ ભ્રષ્ટાચાર વિધાનસભામાં નહિ ઉઠાવવા માટે ૩૫ લાખમાં સોદો કર્યાના ઘટસ્ફોટ

હળવદના ધારાસભ્ય અને વકીલની પોલીસે કરી અટકાયત કોંગ્રેસના ધારાસભ્યના આવતીકાલે પ્રતિક ઉપવાસ

મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને આ મુદ્દો વિધાનસભામાં નહિ ઉઠાવવા કૌભાંડિયાઓ સાથે ૪૦ લાખ રૂપિયાની માંગણી સામે ૩૫ લાખમાં સોદો નક્કી કર્યો હતો અને વકીલ ભરત ગણેશિયા મારફતે ૧૦ લાખ ચુકવવામાં આવ્યા હોવાનું અને ૨૫ લાખનો સિક્યુરીટી ચેક લીધો હોવાનો ખુલાસો પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો છે .

મોરબી જિલ્લામાં તળાવ કૌભાંડ મામલે એલ.સી.બી દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને વકીલ ભરતભાઇ ગણેશિયાની અટકાયત કરી આજ સવારથી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી જેમાં મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે તળાવ કૌભાંડમાં અગાઉ નિવૃત ઈજનેર સહિત ચાર શખસોની અટકાયત કરી ઊંડાણ પૂર્વક તપાસ દરમિયાન પોલીસને પૂરતા પુરાવા મળ્યા હતા કે હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ન નહિ ઉખેડવા તેમના વચેટીયા એવા વકીલ ભરત ગણેશિયા મારફતે ૪૦ લાખની માંગણી કરાઈ હતી અને ૩૫ લાખ આપવાનું નક્કી થયું હતું જેમાં વકીલ મારફત ૧૦ લાખ રૂપિયા ધારાસભ્યને ચૂકવાયા હતા અને બાકીની રકમના માટે ૨૫ લાખનો સિક્યુરીટી પેટે ચેક લેવામાં આવ્યો હતો

તો કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડને પગલે જીલ્લાના અન્ય ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો પણ પોલીસ મથકે દોડી ગયા હતા અને રાજકીય ષડ્યંત્રના આક્ષેપો કરીને આવતીકાલથી પોલીસ મથક સામે જ પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ધરપકડ બાદ ધારાસભ્ય અને વકીલ સહિતના બંને આરોપીની પૂછપરછ ચાલુ જ છે અને રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ પોલીસે આદરી છે

Comments
Loading...
WhatsApp chat