

સમગ્ર વિશ્વમાં આપણા યોગ, આયુર્વેદ તથા કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા થઈ રહી છે ત્યારે મોરબીના સરસ્વતી શિશુમંદિર અને પુનરુંત્થાન વિદ્યાપીઠ દ્વારા ભારતીય શિક્ષણ પ્રણાલીનો સમ્યક વિચાર કરનારી ગ્રંથમાળા પ્રકાશિત થઈ છે જેનું આગામી તા. ૨૨ ને બુધવારે મોરબી ખાતે વિમોચન કરવામાં આવશે.
સરસ્વતી શિશુમંદિર શક્ત સનાળા અને પુનરુંત્થાન વિદ્યાપીઠ મોરબી દ્વારા ભારતીય શિક્ષણ પદ્ધતિ અંગે પાંચ ગ્રંથો પ્રકાશિત કરાયા છે જેમાં ભારતીય શિક્ષણ સંકલ્પના અને સ્વરૂપ, શિક્ષણનું સમગ્ર વિકાસ પ્રતિમાન, ભારતીય શિક્ષણના વ્યવહારિક પાસા, પશ્ચિમી કરણથી ભારતીય શિક્ષણનીમુક્તિ અને વૈશ્વિક સંકટોનું નિવારણ ભારતીય શિક્ષણનો સમાવેશ થાય છે, આગામી ૨૨ ઓગષ્ટને બુધવારના રોજ રાજકોટ આર્ષ વિદ્યામંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદજીના હસ્તે આ ગ્રંથમાળાનું વિમોચન કરાશે.
આ પ્રસંગે પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક જયંતીભાઈ ભાડેશીયા, મુખ્ય વક્તા પુનરુંત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતિબહેન કાટદરે તેમજ અતિથિ વિશેષ તરીકે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સી.સી.કાવર અને વોલ ટાઇલ્સ એસોસિએશન મોરબીના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહેશે રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જયંતિભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.