


અમદાવાદના આંબાવાડી ખાતે રાજપૂત સમાજના સ્ટડી સેન્ટર પર હુમલાના બનાવ અંગે રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જે મામલે આજે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેજા હેઠળ મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા ઝાલા અને રાજપુત સમાજ અગ્રણી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં આજે જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આંબાવાડી અમદાવાદમાં રાજપૂત સમાજના સ્ટડી સેન્ટર પર અસામાજિક તત્વો દ્વારા આગજની અને પથ્થરમારો કરી હિંસક હુમલો કરવામાં આવ્યો છે જેમાં જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
જે વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત મહેનત કરે છે તેમના પર હીન કક્ષાના આરોપો મૂકી ઈરાદાપૂર્વક તેની કારકિર્દીને નુકશાન પહોંચે તેવી ખોટી ફરિયાદો કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું છે કે ફરિયાદો વિષે તટસ્થ અને ન્યાયિક તપાસ કરી આ ખોટી ફરિયાદો રદ કરવામાં આવે તેવી સરકારને માંગ કરી છે. લોકશાહીમાં દરેકને પોતાના સાથે થતા અન્યાય સામે રજૂઆત કરવાનો અધિકાર છે પરંતુ ટોળાશાહી કરીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડવું તેત ગેરવ્યાજબી છે.
સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારી નક્કર પગલા ભરવાની માંગ કરી છે તેમજ સ્ટડી સેન્ટર પર થયેલા હુમલામાં જે આર્થિક નુકશાન થયું છે તેનું વળતર પણ હુમલાખોરો પાસેથી આથવા સરકાર ભરપાઈ કરે તેવી માંગણી કરી છે તેમજ અંતમાં જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય અને તાત્કાલિક પગલા લેવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના લોકો જલદ આંદોલન કરશે

