

ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે મોરબી જીલ્લાના ટંકારા, માળિયા પંથકમાં જળ હોનારતની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે મોરબીના આમરણ, રાજપર (કું.) સહિતના ગ્રામ્ય પંથકના રોડ રસ્તાઓને પણ ભારે નુકશાની પહોંચી છે. ભારે વરસાદને પગલે રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે. મોરબીના કુંતાશીથી રાજપર તરફ જતા રોડની અત્યંત ખરાબ હાલત જોવા મળી રહી છે. સાવ તૂટી ગયેલા રોડને પગલે વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર અડધાથી એક ફૂટ સુધીના ઊંડા ખાડા પડી ગયા છે જેના પરથી ગ્રામજનોને ધરાર પસાર થવાની ફરજ પડે છે. આ રોડ પર થોડો સમય અગાઉ શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસ કોઝવેમાં ખાબકી હતી તે ઉપરાંત અન્ય વાહનોને પણ અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં આ તૂટેલા રોડના રીપેરીંગ માટે તંત્ર જાગૃતતા દાખવતું નથી ત્યારે આ રોડને તાકીદે રીપેર કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તૂટેલા રોડને કારણે પડતી મુશ્કેલીઓને કારણે ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.