ટંકારામાં રાહુલ ગાંધીનું જાહેરસભાને સંબોધન, ચુંટણી પ્રચારના શ્રીગણેશ

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાયો, કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર

વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં લઈને જયારે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની વારંવાર મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોના આયોજન કરી રહ્યા છે ત્યારે આ વિધાનસભા ચુંટણી સર કરવા કોંગ્રેસે પણ બાયો ચઢાવી છે. સોમવારથી ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધી મંગળવારે ટંકારા આવી પહોંચશે જ્યાં તે જાહેરસભાને સંબોધન કરશે.

દ્વારકાથી દર્શન કરીને જામનગર સુધી રોડ શો બાદ મંગળવારે સવારે રાહુલ ગાંધી જામનગરથી ધ્રોલ, લતીપર થઈને ટંકારા આવી પહોંચશે જે રૂટ દરમિયાન ઓટાળા ગામે ડો. ડાયાભાઇ પટેલની આગેવાનીમાં ટંકારા –પડધરીના આગેવાનો રાહુલનું સ્વાગત કરશે તેમજ સરૈયા ગામે ખેડૂતો દ્વારા સ્વાગત કર્યા બાદ સવારી ટંકારા પહોંચશે જ્યાં ઉમા કોટન મિલના ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરશે. આ તકે ગુજરાતના પ્રભારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા તેમજ બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા તેમજ તાલુકા-જીલ્લા પંચાયતના સદસ્યો, પાલિકાના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ઉપરાંત ૩ ડીવાયએસપી, ૭ પીઆઈ, ૨૦ પીએસઆઈ અને ૪૦૦ જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં સામેલ થશે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટંકારા જાહેરસભાને સંબોધન બાદ રાહુલ ગાંધી વાંકાનેરના પીપળીયા રાજ અને સિંધાવદર થઈને રાજકોટ પહોંચશે જ્યાં રસ્તામ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat