Billboard ad 1150*250

રાહુલ ગાંધીએ ટંકારામાં સભા ગજવી, ખેડૂતોના પ્રશ્ને સરકાર પર પ્રહારો

કપાસ-મગફળીના ટેકાના ભાવો મળે છે ? રાહુલ ગાંધીના અણીયારા સવાલ નોટબંધી-જીએસટીને સરકારની મોટી નિષ્ફળતા ગણાવી

0 441

વિધાનસભા ચુંટણીના પ્રચારના શ્રીગણેશ કરતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારકાથી પ્રચારનું રણશિંગું ફૂંકી જામનગર થઈને આજે મોરબી જીલ્લાના ટંકારામાં આવી પહોંચ્યા હતા. જામનગરથી ધ્રોલ, લતીપરના રૂટ પર ઠેર ઠેર કોંગ્રેસના યુવરાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓટાળા ખાતે બેન્ડ બાજા સાથે ખેડૂતો અને આગેવાનોએ તેનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, બ્રિજેશભાઈ મેરજા ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા પણ જોડાયા હતા. ટંકારા ખાતે રાહુલ ગાંધીની સવારી આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ રાહુલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સભા સ્થળ ખાતે સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડાએ પાધડી પહેરાવી જયારે કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ કેડિયું પહેરાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. સભાને સંબોધતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર વરસ્યા હતા. ખેડૂતોને પાક્વીમાં અને કપાસ તેમજ મગફળીના ટેકાના ભાવો મળે છે કે કેમ તેવા  સવાલો ઉઠાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કાર્ય હતા તે ઉપરાંત જીએસટી અને નોટબંધીને નિષ્ફળ ગણાવીને તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાની પહોંચી હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદી પર વાક પ્રહારો કરીને મન કી બાત પર કટાક્ષ કર્યો હતો અને આ સરકાર લાઉડસ્પીકર સરકાર છે જે બોલે છે તે પ્રજાએ સાંભળવું પડે છે તેવા પ્રહારો કર્યા હતા. ધોમ તાપમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો પાટીદાર આંદોલન પ્રભાવિત ટંકારા તાલુકામાં યોજાયેલ સભામાં પાટીદારોની સંખ્યા પણ જોવા મળી હતી તો રાહુલ ગાંધી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પણ સભાને સંબોધન કરી સરકાર પર પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીની આતુરતાથી રાહ જોવાઈ

રાહુલ ગાંધી આજે ટંકારા આવનાર હોય, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રૂટ પર ઉમટી પડ્યા હતા જોકે નિયત સમય કરતા રાહુલ ગાંધીને આવવામાં વિલંબ થયો હોય છતાં રોડ પર લોકોના ટોળાએ રાહુલ ગાંધીના આવવાની રાહ જોઈ હતી. ટંકારા પહોંચવાના રૂટ પર ખેડૂતો, આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત, સઘન સુરક્ષા વ્યવસ્થા

એસપીજી સુરક્ષા ધરાવતા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં જીલ્લા એસપી ઉપરાંત ત્રણ ડીવાયએસપી, સાત પીઆઈ અને ૨૦ પીએસઆઈ સહીત મોટી સંખ્યામાં પોલીસ જવાનો સભા સ્થળ તેમજ અન્ય રૂટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

પાટીદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ

આજે ટંકારા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભામાં ખેડૂતો ઉપરાંત મોટી સંખ્યામાં પાટીદારો પણ ઉમટી પડ્યા હતા. અનામત આંદોલનમાં અતિ પ્રભાવિત એવા ટંકારામાં પાટીદારોનું ખાસ્સું પ્રભુત્વ છે અને પાટીદાર વોટબેંક અહી હાર-જીત નક્કી કરે છે. સભામાં પાટીદારો પીળી ટોપી પહેરીને આવી પહોંચ્યા હોય જેની નોંધ રાહુલ ગાંધીએ પણ લીધી હતી. “પીળી ટોપી” વિશેષણનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat