માળિયા નગરપાલિકાના પ્રમુખ સામે નવ સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત, જાણો કારણ….

માળિયા નગરપાલિકામાં થોડા દિવસો પૂર્વે ભ્રષ્ટાચારના સમાચારો ખુબ ગાજ્યા હતા અને ભ્રષ્ટાચારના મુદે જ નગરપાલિકાના નવ સદસ્યોએ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લઇ આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

માળિયા નગરપાલિકાના પ્રમુખ અબ્દુલ હુશેનભાઈ મોવર સામે પાલિકાના નવા સદસ્યો અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે જેમાં પાલિકાના સદસ્ય ભટ્ટી મહમદ, મોવર નુરબેન, મોવર ખાતુનબેન, જેડા રોશનબેન, મોવર જેનાબેન, જેડા શાહીદાબેન, જેડા હસીનાબેન, જેડા અલીમામદ અને જામ રહીમભાઈ એમ નવ સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે જેમાં પાલિકામાં ભ્રષ્ટાચાર અને વિકાસના કામો ના થતા હોવાનું જણાવ્યું છે અવિશ્વાસ દરખાસ્ત મામલે કારણો આપવામાં આવ્યા છે જેમાં માળિયા નગરપાલિકામાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર, માળિયા પાલિકાના પ્રમુખ બેઠા ત્યારથી આજ સુધી વિકાસકામો થયા નથી. માળિયા નગરપાલિકાનો વહીવટ તદન ખોરવાઈ ગયો, છેલ્લા બે વર્ષથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, માળિયા પાલિકાના ગેરવહીવટથી માળિયા શહેરની છબી તદન ખરડાઈ, પ્રજા હિતના રોજીંદા વિકાસ કાર્યોને લઈને જેવા કે રોડ, રસ્તા પાણી અને લાઈટ જેવી સુવિધાઓ પ્રજાને વલખા મારવા પડે છે અને શહેરમાં ગંદકી વધી છે જેથી રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે

તે ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરીની કોઈ તૈયારી દેખાતી નથી અને જેટલા કારણો આપો તેટલા ઓછા છે અને વિકાસના નામે મીંડું હોવાનું જણાવ્યું છે. માળિયા પાલિકાના છ વોર્ડના ૨૪ સદસ્યો પૈકી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે અને ભાજપના માત્ર નવ સદસ્યો જ છે જોકે અવિશ્વાસ દરખાસ્ત લાવનાર નવ પૈકી એક સદસ્ય કોંગ્રેસના હોવાનું જાણવા મળ્યું છે તો અન્ય સદસ્યો પણ તેમના ટેકામાં હોવાનો દાવો ભાજપના આગેવાનો કરી રહ્યા છે જેથી માળિયા નગરપાલિકામાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંપન્ન થયેલી તાલુકા પંચાયત ચુંટણીમાં જીલ્લાની બે તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી છે જેમાં માળિયા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે તો હવે માળિયા નગરપાલિકા કોંગ્રેસ સાચવી શકશે કે પછી તે પણ ભાજપ છીનવી લેશે કારણકે અવિશ્વાસ દરખાસ્તને પગલે પ્રમુખે બહુમતી સિદ્ધ કરવાનો પડકારનો સામનો કરવો પડશે

Comments
Loading...
WhatsApp chat