


રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા રાજ્યભરમાં હાલ ચુંટણીનો માહોલ છે જેમાં મોરબી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પૂર્ણ થયા બાદ હવે જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે પ્રમુખપદ માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે.
મોરબી જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસે ૨૪ માંથી ૨૨ બેઠકો અંકે કરી સ્પષ્ટ બહુમતી મેળવી છે જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ ચોક્કસ કોંગ્રેસ પક્ષમાંથી જ ચૂંટાઈ આવશે જીલ્લા પંચાયતમાં બહુમતી સિદ્ધ કરવા જેવો કોઈ પડકારનો સામનો કોંગ્રેસને કરવાનો નથી ત્યારે તાજેતરમાં કોંગ્રેસના પ્રભારી જગદીશભાઈ ઠાકરે પ્રમુખપદ માટે સેન્સ લીધી હતી
જેમાં મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ ૧૬ સભ્યો સાથે તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયતના સદસ્ય એવા મુકેશભાઈ ગામીએ ચાર સભ્યો સાથે દાવેદારી નોંધાવી છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ નેતામાંથી કોના શિરે પ્રમુખનો તાજ જશે તે આગામી ૨૦ તારીખે જાણી શકાશે. બુધવારે તા. ૨૦ ના રોજ જીલ્લા પંચાયતના સભાખંડમાં ચુંટણી યોજાશે જેમાં પ્રમુખની તાજ કોના શિરે પહેરાવાય છે તે જોવાનું રહ્યું
મોરબી જીલ્લા પંચાયતમાં આમ તો કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે જેથી ભાજપથી કોઈ પડકાર નથી જોકે કોંગ્રસનો જુથવાદ હમેશા તેના વિજયને આડે આવે છે તો આ વેળાએ પણ એવો જ સિનારિયો જોવા મળે છે કોંગ્રેસના બે નેતાઓની જંગમાં તોડજોડની રાજનીતિના ભયથી ૧૬ સદસ્યોને પ્રવાસે મોકલી દેવાયા છે જે સીધા ચુંટણીમાં જ હાજર થશે તો સત્તાની ખેંચતાણ અને જુથવાદ ફરીથી જોવા મળી રહ્યો છે

