નવરાત્રી વેકેશન બાબતે ફેર વિચારણા કરવા શિક્ષણમંત્રીને રજૂઆત

જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જએ કરી રજૂઆત

 

સરકાર દ્વારા નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોય તેવા અખબારી અહેવાલોને પગલે નવરાત્રી વેકેશન શિક્ષણના હિતમાં ના હોય જેથી મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી અને મીડિયા ઇન્ચાર્જ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

 

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ અને મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને નવરાત્રી વેકેશન અંગે રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ભાજપની સરકાર વખતે જ ગુજરાત રાજ્યની નામદાર હાઈકોર્ટ નવરાત્રી રાત્રીના ફક્ત ૧૨ વાગ્યા સુધી જ રમવા હુકમ કરેલ છે  અને તે હુકમને આપની સરકાર તરફથી ઉચ્ચ અદાલતમાં આ હુકમ ફેરવવા માટે કોઈ અપીલ કરેલ નથી. જેથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી જ ગરબા રમવા માં કોઈ ઉજાગરા થતા નથી કે તેવો કોઈ શારીરિક થાક પણ લાગી જતો નથી. પ્રથમ સત્રમાં પ્રવેશોત્સવ, વાંચન,લેખન,ગણન અભિયાન, રમતોત્સવ,વિજ્ઞાન પ્રદર્શન, શ્રાવણ માસના વિવિધ તહેવારો આવે છે જેથી શિક્ષણ માટે આમ પણ પુરો સમય મળતો નથી.

 

વધુમાં જણાવ્યું છે કે પ્રથમ સત્ર બીજા સત્ર કરતા 10 દિવસથી 20 દિવસ જેટલું ઓછું હોય છે. ગુજરાત સરકાર દ્વારા જુન-2018થી NCERT આધારિત નવિન અભ્યાસક્રમ અમલી બન્યો છે તે અંગેની સમજ વિકસાવવા અને પાઠ્યક્રમ શિખવવા માટે વધારે સમયની જરુરિયાત છે જ. નવરાત્રી અને દિવાળી વેકેશન વચ્ચે બાળકોની પરીક્ષાનું આયોજન હોય છે જેથી બાળકોના શિક્ષણ પર માઠી અસર ઊભી થવાની સંભાવના છે. આમ પણ સરકારી શાળામાં શિક્ષણ સિવાયના અન્ય વિભાગોના કાર્યક્રમો સફળ બનાવવાનું ભારણ હોય છે. જેની શિક્ષણ માટે ઓછો સમય મળે છે. શિક્ષણ એ સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે જેમાં નિયમિતતા ખૂબ જ જરુરી હોય છે જેમાં 9 દિવસનુ વેકેશન એ ઓછામાં ઓછા 15 દિવસ નું શિક્ષણ બગાડે. પ્રથમ સત્રમાં ચોમાસુ હોય છે જેથી વરસાદ, વિવિધ તહેવારો અને ભાદરવા મહિનામાં બિમારી ના કારણે બાળકોની ગેરહાજરીના પ્રશ્નો રહેતા હોય છે જેથી અભ્યાસક્રમ માટે વારંવાર નિદાન અને ઉપચાર કરવું પડે છે. આ નવુ 9 દિવસ નું વેકેશન શિક્ષણ ના સાતત્યમાં અવરોધ બનશે.

 

સરકાર દ્વારા ગુણવત્તા અભિવૃદ્ધિ માટે મિશનવિદ્યા નામે ખૂબ જ અસરકારક કાર્યક્રમનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ખૂબ મોટી સફળતા મળવાની શક્યતા છે પરંતુ આવા જ નવરાત્રી વેકેશન જેવા શિક્ષણ માટે અહિત કારી નિર્ણયો કાયમ માટે મિશનવિદ્યા ચલાવવાની ફરજ પાડશે અને બાળકો સરકારી શાળાથી વિમુખ થતા જશે. કોઈ પણ દેશના ભવિષ્ય માટે શિક્ષણ પાયો છે એમાં પણ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે શિક્ષણ પ્રાણપ્રશ્ન રહ્યો છે તો શિક્ષણના હિત માટે આપ નવરાત્રી વેકેશન રદ કરો. જો નવરાત્રી વેકેશન આપવું આપની રાજકીય મજબુરી હોય તો પ્રથમ સત્રની શરુઆત 1 એપ્રિલથી કરો. (સીબીએસસી) પેટર્ન મુજબ જેથી પ્રથમ સત્ર અને બીજા સત્ર વચ્ચે સમતુલા જાળવાઈ રહે. આમ નવરાત્રી વેકેશન બાબતે શિક્ષણ મંત્રી ફેર વિચારણા કરે તેવી રજૂઆત કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat