


ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા આજે મોરબી જીલ્લાના ટંકારા ખાતે બુથ નંબર છ ની મુલાકાતે આવ્યા હતા જેમાં જીલ્લા ભાજપ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનોને સાથે રાખીને ભરતભાઈ પંડ્યાએ બુથમાં કાર્યકરો તેમજ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. પત્રકારો સાથે વાતચીતમાં તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી જેમાં છોટા ઉદેપુર તાલુકાના દેવળિયા ગામના બુથ નં ૧૧૭,૧૧૮ અને ૧૧૯ ની મુલાકાતે તેઓ જવાના છે. ગુજરાતના ૪૮,૦૦૦ બુથ પર ૪૮,૦૦૦ કાર્યકરો વિસ્તારક યોજના અંગે કામગીરી કરતા હોવાનું જણાવ્યું હતું. તો કેરળમાં ચાલતા વિવાદ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપની વિચારધારામાં અંતર છે. કોંગ્રેસ પક્ષ ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. કેરળમાં વાછરડાની હત્યા કરીને ગૌમાંસની મિજબાની કરી છે જેથી દેશના કરોડો નાગરિકો દુખી છે ત્યારે કોંગ્રેસ દેશને કઈ દિશામાં લઇ જવા માંગે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા. જેએનયુ જ્યાં ભારત વિરોધી નારા લગાવાય છે તેને વાણી સ્વતંત્રતામાં ખપાવી દેવામાં આવે છે અને આતંકવાદીઓને શહીદોનો દરજ્જો આ પક્ષ આપે છે. ભાજપ વિકાસની રાજનીતિ કરે છે જેનો જવાબ વિપક્ષો પાસે નથી તેમ અંતમાં જણાવ્યું હતું.

