બેફામ પ્રદુષણ ફેલાવનારા ઉદ્યોગપતિઓ સામે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ લાચાર

ઓદ્યોગિક નગરી મોરબીમાં ઉદ્યોગના વિકાસની સાથે પ્રદુષણના પ્રશ્ને પણ માઝા મૂકી છે. કેટલાક લેભાગુ ઉદ્યોગપતિઓ બેજવાબદાર વર્તન કરીને પર્યાવરણને નુકશાની પહોંચાડી રહ્યા છે. નિયમોનો છડેચોક ભંગ કરીને બેફામ પ્રદુષણ કરી રહ્યા છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રિજ્યોનલ કચેરી મોરબીમાં કાર્યરત હોવા છતાં તેની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. તાજેતરમાં ઢુવા નજીક હાઈવે પર પેપરમિલના કેમિકલ વેસ્ટને રોડ નજીક ધોળે દિવસે સળગાવવામાં આવ્યો હતો જેના પગલે ધુમાડાના ગોટેગોટા સર્જાયા હતા. આવા કેમિકલ વેસ્ટને પગલે જમીન અને હવાનું પ્રદુષણ ફેલાય છે જે માનવજાત માટે અનેક મુસીબતો પેદા કરે છે. આવા પ્રદુષણ અનેક રોગોને પણ આમંત્રણ પાઠવે છે. જોકે પ્રદુષણ બોર્ડના જવાબદાર અધિકારીઓને પોતાનો હિસ્સો મળી જતો હોવાથી તે આવા પ્રદુષણ ફેલાવનાર ઉધોગપતિઓ સામે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને પગલે ઉદ્યોગપતિઓ ફાટીને ધુમાડે ગયા છે અને તેને કોઈ નિયમ કે કાનુન લાગુ પડતા ના હોય તેમ બેફામ રીતે વર્તી રહ્યા છે. મોરબી જીલ્લામાં વધી રહેલા પ્રદુષણની માત્રા ભવિષ્યમાં અનેક નવા પ્રશ્નો ઉપસ્થિત કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેમજ જવાબદાર તંત્ર પોતાની જવાબદારી સુપેરે નિભાવે તેવી લોકમાંગ પણ પ્રબળ બની છે.

Comments
Loading...
WhatsApp chat