

સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યને ધ્યાને લઈને ધુમ્રપાન નિષેધ કરવામાં આવ્યું છે જેમાં જાહેરમાં ધુમ્રપાન કરનાર સામે દંડની જોગવાઈઓ કરવામાં આવી છે જોકે છતાં નિયમોનો ઉલાળિયો કરીને નાગરિકો પોતાની મનમરજી ચલાવતા હોય છે ત્યારે ટોબેકો નિષેધ ટીમ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબીના આરોગ્ય વિભાગ હસ્તકના નેશનલ ટોબેકો કંટ્રોલ ટીમ દ્વારા તાજેતરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં જાહેરમાં ધુમ્રપાન કરીને કાયદાનો ભંગ કરનાર સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે જે અંતર્ગત મોરબીમાં ટોબેકો કંટ્રોલ ટીમના મૌલિકભાઈની આગેવાની હેઠળ જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી હતી જેમાં જુદી જુદી જગ્યાએથી જાહેરમાં ધુમ્રપાન કરનાર ૧૨ લોકોને નિયમ મુજબ ૨૦૦-૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જાહેરમાં ધુમ્રપાન કરીને કાયદો તોડનાર સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે.