

મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ પ્રસંગે ટાઉનહોલ-મોરબી ખાતે સર્વે ધર્મગુરૂઓની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાથનાસભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પ્રસંગોચિત ઉદબોધનમાં ગાંધીજીના સાદા અને સરળ જીવનને અનુરૂપ જીવનને અનુસરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ પ્રસંગોચિત વકતવ્યમાં જણાવ્યું હતું કે, બાપુ સ્વચ્છતાના આગ્રહી હતાં. જેથી આપણે સૌએ તેમના આ ઉદેશને ધ્યાનમાં રાખી આપણા ગલી, મહોલ્લામાં સ્વચ્છતા જળવાઇ રહે તેવા આપણે પ્રયત્નો હાથ ધરવા જોઇએ. તેમજ આપણા વડાપ્રધાનનો સ્વચ્છતા અભિયાન દ્વારા આપણું ગામ,ગલી,પ્રદેશઅને દેશ સ્વચ્છ રહે તેવો આગ્રહ હોય, તેમને આપણે સફળ બનાવવા પ્રયત્નો કરવા જોઇએ.
આ પ્રસંગે સર્વે ધર્મના ધર્મગુરૂઓ, મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રાથના સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીજીના સ્વપ્નનોનું ભારત માત્ર આઝાદ ભારત નહી. સ્વચ્છ ભારત છે તે માટેના ’’સ્વચ્છતા શપથ’’ લેવડાવામાં આવ્યા હતાં.જયારે આ પ્રસંગે દિનદયાળ અત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, અને સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમના સંયુકત ઉપક્રમે મોરબી જિલ્લાના વોર્ડ/વિસ્તાર પૈકીના વોર્ડ/વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન સંદર્ભે ચાર સખિસંઘ/સખિમંડળોને સ્વચ્છતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સર્વધર્મ પ્રાથના સભામાં મહંત ભાવેશ્વરીબેન રામધન આશ્રમ, નિરંજનબાપુ ઉમિયાધામ, અલ્કાબેન બ્રમ્હાકુમારી, તથા સર્વધર્મના સંતો અને મહંતો, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા, જયોતસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, નગરપાલિકા ચીફ ઓફીસર, જિલ્લા શિક્ષાણાધિકારી, જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.