


મોરબી નગરપાલિકાનું આગામી વર્ષના નાણાકીય અંદાજપત્ર રજુ કરવાનું બાકી હોય જોકે રાજકીય ગરમાગરમીના માહોલમાં બજેટ માટેનું બોર્ડ મળી શક્યું ના હતું અને આખરે આગામી તા. ૨૮ ને બુધવારે પાલિકાની સામાન્ય સભા યોજાશે જેમાં બજેટ રજુ કરાશે
મોરબી નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કણઝારીયા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના અધ્યક્ષસ્થાને તા. ૨૮ ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી છે જે સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવશે
સામાન્ય સભામાં એજન્ડાની વાત કરીએ તો મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રોજમદારોને કાયમી કરવા, અને એસ્ટા વિભાગના રીપોર્ટ મુજબ સફાઈ કામદારોની ખાલી પડેલ ૫૦ ટકા જગ્યા ભરવા, તેમજ પાલિકાના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કામો કરવા સામેલ લીસ્ટ ક્રમ નં ૧ થી ૮૪ મુજબ આવેલ ખર્ચને મંજુરી આપવામાં આવશે તો આગામી વર્ષનું બજેટ પણ રજુ કરવામાં આવશે
તે ઉપરાંત વિપક્ષના સદસ્યો દ્વારા વિવિધ અરજીઓ કરવામાં આવી હોય જે અંગે પણ નિર્ણય કરવામાં આવશે અને વિવિધ વિકાસકામોના એજન્ડાને પણ મંજુરી આપવામાં આવશે. અને પાલિકાની સામાન્ય સભામાં કુલ ૪૨ એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

