


વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીના સંચાલક એવા ઉધોગપતિને લાખોની ખંડણી મામલે કુખ્યાત શખ્શ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ ઉદ્યોગપતિએ પોલીસમાં કરેલી ફરિયાદને પગલે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો જોકે જામીનમુક્ત થયા બાદ ફરીથી ઉદ્યોગપતિને ફોન પર ધમકીનો સિલસિલો ચાલુ કર્યો હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
રાજકોટના શ્રોફ રોડ પરના રહેવાસી અને વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીના સંચાલક પ્રજ્ઞેશ બેચરભાઈ સુરાણી નામના ઉદ્યોગપતિ પાસેથી ૨૦ લાખની ખંડણી વસુલવા માટે મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીએ ઉદ્યોગપતિને રૂબરૂ તેમજ મોબાઈલ નં ૬૩૫૧૧ ૩૨૧૭૪ અને ૯૦૫૪૭ ૩૨૩૫૧ પરથી ફોન કરીને તા. ૨૨ થી ૨૪ જાન્યુઆરીના રોજ દરમિયાન ધમકીઓ આપવામાં આવી હતી જેમાં ઉદ્યોગપતિ ૨૦ લાખની ખંડણી ના આપે તો ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી
જે મામલે પોલીસને સમગ્ર બનાવની જાણ કરતા પોલીસે મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીને દબોચી લેવામાં આવ્યો હતો જોકે બાદમાં ફરીથી જામીન મુક્ત થયા બાદ તેણે ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ સુરાણીને ધમકીઓ આપવાનું શરુ કર્યું છે ત્યારે વાંકાનેર સીટી પોલીસે આરોપી ભારૂભા ગઢવી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
જાન્યુઆરી માસમાં ખંડણી અને ધમકીઓ અંગે ફરિયાદને પગલે ભારૂભા ગઢવીની અટકાયત કરવામાં આવી હતી જોકે બાદમાં ફરીથી તે મુક્ત થયા બાદ તેણે લખણ ઝળકાવ્યા હતા અને ગત તા. ૧૫ માર્ચ અને બાદમાં ૨૫ એપ્રિલ ના રોજ ફોન કરીને લાખોની ખંડણી માંગી ધમકીઓ આપી હોવાનું ઉદ્યોગપતિએ ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદી ઉદ્યોગપતિને ગત માસમાં અને ચાલુ માસે બે દિવસ પૂર્વે ફોન પર ધમકીઓ મળ્યા અંગે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદ મોડી કરવા પાછળ તેઓ ધાર્મિક પ્રસંગમાં વ્યસ્ત હોય જેથી ઢીલ થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે વાંકાનેર સીટી પોલીસે આરોપી ભારૂભા ગઢવી સામે ગુન્હો નોંધી તેની વધુ તપાસ વાંકાનેર સીટી પી આઈ બી.ટી. વાઢીયા ચલાવી રહ્યા છે. જેમાં આરોપી થાન ચોકડી નજીક હોવાની બાતમીને આધારે તેને દબોચી લેવામાં આવ્યો હતો

