મોરબીના યુવાને UPSC બાદ GPSC માં પણ મેળવી ઝળહળતી સફળતા

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા GPSC પરીક્ષાઓ લેવામાં આવી હતી જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીના ડો. મેહુલ બરાસરાએ સમગ્ર રાજ્યમાં ૧૩ મો રેન્ક મેળવીને મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તો UPSC પરીક્ષા બે બે વખત પાસ કરી દિલ્હીની નોકરી છોડી ગુજરાત માટે કામ કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું.

સફળતાના શિખરો સર કરવા માટે સખત મહેનત અને ધીરજની જરૂર પડે છે તેમ મોરબી જીલ્લાના લીલાપરના વતની મગનભાઈ કરમશીભાઈ બરાસરાના પુત્ર ડો. મેહુલ બરાસરાએ સાબિત કરી બતાવ્યું છે. પોતાની સફળતાનો શ્રેય માતા હંસાબેન બરાસરા અને પિતા મગનભાઈ બરાસરા તેમજ પત્ની ડો. ધારા (ગાયનેકોલોજીસ્ટ) ને આપનાર ડો. મેહુલે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજમાંથી દર વર્ષે ગોલ્ડ મેડલ મેળવીને વર્ષ ૨૦૧૧ માં એમબીબીએસ પાસ કર્યું હતું પરંતુ સમાજને વધુ ઉપયોગી થવાના આશયથી તેને UPSC પરીક્ષા માટે તૈયારી કરીને પ્રથમ પ્રયાસે જ વર્ષ ૨૦૧૨ માં પાસ કરીને ઇન્ડિયન સિવિલ એકાઉન્ટસ સર્વિસમાં પસંદગી પામ્યા હતા પરંતુ તેમની ઈચ્છા વહીવટી ક્ષેત્રમાં આગળ વધવાની હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ ચાલુ રાખી વર્ષ ૨૦૧૩-૧૪ માં પણ UPSC પરીક્ષા પાસ કરી હતી તેમજ GSPC ની પરીક્ષા આપી હતી. ૨૮ જુલાઈના રોજ જાહેર થયેલા GPSC ગુજરાત વહીવટી સેવા ક્લાસ ૧ ની ૨૦૧૪ માં લેવાયેલી પરીક્ષાના પરિણામમાં ડો. મેહુલ બરાસરાએ સમગ્ર ગુજરાતમાં ૧૩ મો ક્રમ હાંસલ કર્યો છે. અને ગુજરાત એડમિનીસટ્રેટીવ સર્વિસ ક્લાસ ૧ માં નિમણુક પામ્યા છે. ડો. મેહુલ હવે ટૂંક સમયમાં જ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસટ્રેટ બની ગુજરાતમાં સેવા આપશે.

 

જન્મભૂમી માટે કામ કરવાની ઈચ્છા

 

ICAS ના આસીસ્ટન્ટ કંટ્રોલર (નાણા મંત્રાલય) ક્લાસ ૧ ના ઉચ્ચ હોદાને છોડીને GPSC ના હોદાને પસંદ કરવાનું કારણ ડો. મેહુલે જણાવ્યું છે કે દિલ્હીની એરકંડીશન ઓફિસમાં બેસી કામ કરવાને બદલે જન્મભૂમી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સમાજની નજીક રહી રાજ્યના વિકાસમાં સહયોગ આપવાની પોતાની ઈચ્છાને પગલે તેને આ નિર્ણય કર્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat