મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાઈ મૉલ ખાતે ગૌરવભેર ધ્વજવંદન કરાયું

યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની ગરીમાસભર ઉજવણી કરી યુવાનોને આદર્શ ભારતીય નાગરિક બનવાના શપથ લેવડાવ્યા

મોરબીમાં સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હરહંમેશ સર્વધર્મ સમભાવ થકી દેશહિતની ભાવનાને સદાય ઉજાગર કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દેશના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાઈ મૉલ ખાતે ગૌરવભેર ધ્વજવંદન કરાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની ગરીમાસભર ઉજવણી કરી યુવાનોને આદર્શ ભારતીય નાગરિક બનવાના શપથ લેવડાવ્યા હતા.

 

મોરબીમાં ક્રાંતિકારી વિચારોને સમર્પિત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદનની સાથેસાથે યુવાનોમાં કાયમ દેશભક્તિ જાગૃત રહે તે માટે યુવાનો પાસેથી આદર્શ ભારત નાગરિકના શપથ લેવડાવમાં આવ્યા હતા. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે મોરબીના સ્કાય મોલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પિત ભાવ પ્રગટ કરી રાષ્ટ્રના દરેક નાગરિકની શાંતિ તથા એકતા માટે દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીને વતનની ભૂમિને ગૌરવ થાય તેવા નાગરિક બનવાનો સંકલ્પ યુવાનોને લેવડાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

 

દેવેનભાઈ રબારીએ વધુમાં લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે,જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આજે 26મી જાન્યુઆરી છે. આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક પ્રકારની યાતનાઓ વેઠી છે.ભારતીય સંસ્કૃતીમાં રાષ્ટ્રને દેવ ગણવામાં આવે છે. ક્રાંતિકારીઓ વીરોના લોહી વહ્યા બાદ આઝાદી પ્રાપ્ત થઇ છે. આઝાદીના પાયામાં રાષ્ટ્રવીરોના વધેરાઇ ગયેલા લીલા માથા ધરબાયેલા છે. તેઓની કલ્પનાને શોભે તેવા ભારત નિર્માણની જવાબદારી આપણી છે. આજે ભારતમાતા માથાં નથી માંગતા, પણ લાગણી માંગે છે. રાષ્ટ્રહિતની વૃત્તિ-દૃષ્ટિ કેળવાય તે આ યુગની મોટી ક્રાંતિ ગણાશે.આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે. આપણે બધા ભારતીય છીએ. વતનની ભૂમિને ગૌરવ થાય તેવા નાગરિક આપણે બનીએ..ગણતંત્ર દિવસ રાષ્‍ટ્રીય પર્વ. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સન્‍માન આપણે મેળવી રહ્યા છીએ. વતનનું ગૌરવ હોય એ સ્‍વાભાવિક છે. પરંતુ ગૌરવ તકલાદી ન હોવું જોઇએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી વિશ્વની શ્રેષ્‍ઠ લોકશાહી બને તે માટે તમામ લોકોને પ્રયાસ કરવાની તેઓએ હાકલ કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat